News Portal...

Breaking News :

અકોટામાં આંતરરાષ્ટ્રીય ફેક કોલ સેન્ટરનો પર્દાફાશ, ચાર આરોપીઓ ઝડપાયા

2026-06-08 15:53:45
અકોટામાં આંતરરાષ્ટ્રીય ફેક કોલ સેન્ટરનો પર્દાફાશ, ચાર આરોપીઓ ઝડપાયા



એલ.સી.બી. ઝોન-2ની કાર્યવાહી: રેસકોર્સ વિસ્તારમાં ફ્લેટમાંથી ચાલતું હતું ઠગાઈનું નેટવર્ક, લાખોનો મુદ્દામાલ કબ્જે
વડોદરામાં ડાર્ક વેબ મારફતે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરી લોન મંજૂરીના નામે CVV સહિત બેંક વિગતો મેળવી ઠગાઈ કરતી ગેંગનો ખુલાસો થયો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો એલ.સી.બી. ઝોન-2 ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કુલ અંદાજિત રૂ. 3.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.



પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝોન -2 વિસ્તારમા પેટ્રોલિંગ દરમિયાન નટુભાઈ સર્કલ નજીક એ.એસ.આઈ. હરેશકુમાર જલેશ્વરજીને મળેલી અંગત બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ રેસકોર્સ વિસ્તાર સ્થિત બેરિલ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 101 માં કરણ લોકવાણી અને તેના સાથીઓ વિદેશમાં રહેતા લોકો સાથે ફાઇનાન્સ કંપનીના નામે ખોટી માહિતી આપી લોન મંજૂર થઈ ગઈ હોવાનું જણાવી છેતરપિંડી કરતા હતા. બાતમીની પુષ્ટિ થતા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી ચાર આરોપીઓને પકડી લીધા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓ આંતરરાષ્ટ્રીય કોલ્સ મારફતે વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરી ઠગાઈ કરતા હોવાનું બહાર આવ્યું છે. કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 3,57,000 આંકવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ કમિશ્નર તેમજ ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023 તથા આઈ.ટી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.




વેબસિરીઝ જોઈને શીખ્યો ઠગાઈનો ખેલ
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ ફેક કોલ સેન્ટર બનાવી વિદેશી નાગરિકોને “સિટી ક્રેડિટ્સ” તરફથી લોન મંજૂર થઈ ગઈ છે તેવી લાલચ આપતા હતા. ત્યારબાદ તેઓ ડેબિટ કાર્ડની વિગતો સહિત CVV અને એક્સપાયરી ડેટ મેળવી લઈ તેમજ ફી પેટે 150 થી 200 ડોલર સુધીની રકમ પડાવતા હતા.  આરોપીઓ છેલ્લા બે મહિનાથી આ ઠગાઈનો કારોબાર ચલાવતા હતા. તેઓ ડાર્ક વેબ પરથી અમેરિકન નાગરિકોના નંબર મેળવી કોલ કરતા હતા. DCP ઝોન-2એ જણાવ્યું કે આરોપીઓમાંથી કેટલાક અગાઉ કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યા હતા અને કેટલાકને અંગ્રેજી બોલવાની તાલીમ આપવામાં આવી હતી. આરોપીઓ વેબસિરીઝ જોઈને આ પ્રકારની ઠગાઈ શીખ્યા હોવાનું પણ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. હાલ પોલીસે સમગ્ર નેટવર્ક અને અત્યાર સુધી કેટલા લોકો આ ફ્રોડનો શિકાર બન્યા છે તેની તપાસ શરૂ કરી છે.




પકડાયેલા આરોપીના નામ નીચે મુજબ છે:
કરણ રામચંદ લોકવાણી (ઉ.વ. 32), રહે. એલેમ્બીક રોડ, વડોદરા
જોનાથન જોનસન દાસ, રહે. ફતેહગંજ, વડોદરા
પંકજ અશોક જેઠવાણી (ઉ.વ. 40), રહે. અમદાવાદ
આલેરસુલ મુસ્તાકઅલી સૈયદ (ઉ.વ. 34), રહે. તાંદલજા, વડોદરા
પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલમાં સમાવેશ થાય છે:
07 લેપટોપ (કિંમત આશરે રૂ. 1,35,000)
08 મોબાઇલ ફોન (કિંમત આશરે રૂ. 1,80,000)
Jio Fiber રાઉટર
એક કનેક્શનનું લાઇટ બિલ
રોકડ રૂ. 41,000

Reporter: admin

Related Post