વડોદરા: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશો મુજબ વિશ્વામિત્રીના દબાણો હટાવીને વિશ્વામિત્રી પ્રોેજક્ટની કામગીરી કરવા માગણી થઈ છે.
નદી પર પહેલેથી જ સમા-હરણી બ્રિજ, ભીમનાથ અને અગોરાની દીવાલ સહિતના દબાણો છે તે હટાવવાની રજૂઆત કરી કોર્પોરેશનમાં વિપક્ષના પૂર્વ મહિલા નેતાએ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને કહ્યું છે કે, નવલાવાલા સમિતિ દ્વારા વિશ્વામિત્રીના પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો આ પ્રોેજક્ટનું ૩૩૦૦ કરોડનું આખું કામ પૂર્ણ થઈ જાય તો પૂરમાં ૪૦% ઘટાડો થશે. પ્રોજેક્ટ પૂર્ણ થતાં દસ વર્ષ લાગી શકે તેમ છે. બીજી બાજુ આ કાર્યને ઐતિહસિક ગણાવીને ૧૦૦ દિવસમાં પૂર્ણ કરવામાં આવતા વડોદરાવાસીઓને ખૂબ લાભ થશે તેવી વાતો કરવામાં આવી રહી છે.
હકીકતમાં આ કાર્ય નવલાવાલા સમિતિએ જે પ્રોેજક્ટ સૂચવ્યો છે તેનો નાનો સરખો ભાગ છે. આ કામગીરીથી પૂરશમન થવાનું હોય તો પછી કોર્પોરેશન બોટ, ટ્રેક્ટર, તરાપા શા માટે ખરીદી રહી છે? શા માટે ૨૦૦ તરવૈયાઓને રાખવાની છે એવો સવાલ કરી તેમણે જણાવ્યું છે કે, હાલ જે કામગીરી થઈ રહી છે તેમાં ડાઉન સ્ટ્રીમમાં જોઈએ તેવી ગતિથી કામ થતું નથી. કાલાઘોડા બ્રિજ પાસે બોટલ નેક છે, ત્યાંથી પાણીનો નિકાલ બરાબર થવાનો નથી. તો પછી હાલની કામગીરીને લીધે કેટલો ફાયદો થશે તે સવાલ છે.
Reporter: admin