News Portal...

Breaking News :

ડૉ. હેમાંગ જોષીને રાષ્ટ્રીય યુવા મોરચાની કમાન, વડોદરામાં ભવ્ય અભિવાદન

2026-08-19 10:14:49
ડૉ. હેમાંગ જોષીને રાષ્ટ્રીય યુવા મોરચાની કમાન, વડોદરામાં ભવ્ય અભિવાદન

વડોદરાના લોકપ્રિય યુવા સાંસદ અને ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષીને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન નબીનના નેતૃત્વમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત બાદ હેમાંગ જોષીના નામની રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. નિમણૂક બાદ વડોદરાના કારેલીબાગ સ્થિત ભાજપ શહેર કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે તેમનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

ભારતીય જનતા યુવા મોરચા, વડોદરા મહાનગર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડૉ. જયપ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ અને યુવા મોરચાના શહેર અધ્યક્ષ મૌલિકભાઈ દેસાઈની આગેવાનીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નવી જવાબદારી મળ્યા બાદ ડૉ. હેમાંગ જોષીએ આ જવાબદારી વડોદરા અને ગુજરાતના યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓને સમર્પિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના પરિવારમાં કોઈ રાજકારણી નથી અને જગદીશ વિશ્વકર્માએ તેમને હંમેશા કામ કરવાની સ્વતંત્રતા આપી છે. યુવાનોને સાથે લઈને આગળ વધવાનું કામ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

ડૉ. હેમાંગ જોષીએ કહ્યું કે, “યુવા શક્તિ વિકસિત ભારતનું સબળ પરિબળ છે.” યુવા શક્તિને દેશના વિકાસ સાથે જોડવા અને વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે એક-એક યુવાનને જોડવાના પ્રયાસો કરવામાં આવશે. યુવાનો માત્ર ‘જોબ સીકર’ નહીં પરંતુ ‘જોબ ગીવર’ બને તે દિશામાં પણ કામ કરવાની તેમણે વાત કરી હતી.

યુવાનોની ઊર્જાને સકારાત્મક દિશા આપવા, તેમને નશાખોરીથી દૂર રાખવા તેમજ યુવાનો અને તેમના પરિવારોના વિકાસ માટે કામ કરવાની પ્રતિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
જન-ઝી અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે હેમાંગ જોષીએ કહ્યું કે જન-ઝી બાદ હવે જન-આલ્ફા પણ મેદાનમાં છે. યુવાનોને નકારાત્મક રીતે ચિત્રિત કરવાને બદલે તેમની શક્તિ અને ઊર્જાનો દેશના વિકાસમાં ઉપયોગ થવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો યુવાનોને રાજકીય હાથો બનાવી દેશનો માહોલ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુવાનોમાં રહેલા સામાજિક દૂષણો દૂર કરવા તેમજ સરકાર અને યુવાનો વચ્ચે કોઈ ‘VVIP કલ્ચર’ ન રહે તે દિશામાં પણ કામ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા હેમાંગ જોષીએ કટાક્ષ કર્યો હતો કે, રાહુલ ગાંધી જ્યારે યુવાન હતા ત્યારે મોટો ઝબ્બો પહેરીને વયોવૃદ્ધ જેવા દેખાતા હતા અને હવે તેઓ વયોવૃદ્ધ થયા છે ત્યારે ટી-શર્ટ પહેરે છે.
અંતે ડૉ. હેમાંગ જોષીએ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણ સાથે જોડીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Reporter: admin

Related Post