આગામી 19મી એપ્રીલે મળનારી સ્થાયી સમિતીની બેઠકમાં છાણી પ્રવેશદ્વારથી છાણી જકાતનાકા સર્કલ સુધીનો રસ્તો ગૌરવ પથ બનાવવા સૌરભ બિલ્ડર્સને 29 ટકા વધુ ભાવે 22301883 રુપિયાના કામને પણ મંજૂરી આપવાની દરખાસ્ત કરાઇ છે.
29 ટકા વધુ ભાવે ગૌરવ પથ બનાવાની દરખાસ્ત કરીને કોન્ટ્રાક્ટરને ઘી કેળાં કરાવી દેવાયા છે. વડોદરામાં રસ્તા કેવા બને છે તેની દરેક વડોદરાવાસીને ખબર છે. પહેલાં જ ચોમાસામાં વડોદરાના રસ્તાઓ ધોવાઇ જાય છે અને મોટા ખાડા પડી જાય છે. વડોદરા એટલે ખાડોદરા એવું ઉપનામ પણ વડોદરાને મળી ગયું છે અને આ નામ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોના નામે મળ્યું છે. 29 ટકા જેટલા ઉંચા ભાવે ગૌરવ પથ બનાવાશે તો પણ તેમાં ખાડા પડશે કે નહી તથા રોડ તૂટી જશે કે નહી તેની કોઇ ગેરન્ટી આપશે નહી અને પ્રજાના કરોડો રુપિયા પાણીમાં ધોવાઇ જશે. ઉંચા ભાવે કામ મેળવ્યા પછી હલકા મટિરીયલનો ઉપયોગ કરાતો હોવાથી વડોદરાના રસ્તાઓ આમ તો બારેમાસ ખખડધજ જોવા મળે છે અને ગમે ત્યારે ભૂવા પડે છે તો ગમે ત્યારે મોટા ખાડા પડી જાય છે તો ચોમાસામાં તો બદતર હાલત થાય છે.
પહેલા વરસાદમાં જ રસ્તો ધોવાઇ જાય છે અને રસ્તો બેસી પણ જાય છે જેથી રસ્તા પણ જળબંબાકાર બની જાય છે. કોન્ટ્રાક્ટરને કરોડો રુપિયાના રસ્તે રસ્તો બનાવાનું કામ સોંપતા પહેલા યોગ્ય મટિરીયલ વપરાશે અને રસ્તો તૂટશે નહી તથા ખાડા નહી પડે તેની પણ ગેરન્ટી સ્થાયીએ લેવી જોઇએ નહિંતર આ પ્રકારના કામો મેળવીને કોન્ટ્રાક્ટરો અને તેમની મીલીભગતના અધિકારીઓ માલામાલ થઇ જાય છે પણ જનતાને તે રસ્તાનો ફાયદો મળતો નથી. શહેરના નવા મ્યુનિસીપલ કમિશનર તથા શહેર ભાજપ પ્રમુખે આ પ્રકારના ઉંચા ભાવે રસ્તા બનાવવાની દરખાસ્તો અંગે ગંભીરતાથી વિચારણા કરવાની જરુર છે કારણ કે અત્યાર સુધી તો ઉંચા ભાવે જે કોન્ટ્રાક્ટરોએ કામો કરેલા છે તેનાથી વડોદરાની જનતા છેતરાઇ ગઇ છે જેથી ઉંચા ભાવના કામોની દરખાસ્તો ભલે મંજૂર થાય પણ રસ્તા પર ખાડા નહી પડે અને ઉચ્ચ ગુણવત્તાનું મટિરીયલનો ઉપયોગ થશે તેવી ગેરન્ટી સહિ સાથે કરાવી લઇ લેવી જોઇએ, કોન્ટ્રાક્ટરો ઉંચા ભાવે કામો મેળવી લે છે પણ હલકી કક્ષાનું મટિરીયલ વાપરીને લોકોને મૂર્ખ બનાવે છે અને આખરે લોકોને જ હેરાન થવું પડે છે.
Reporter: admin