વડોદરા શહેરના કારેલીબાગમાં વુડા કચેરી ખાતેની રીજનલ ફાયર ઓફિસમાં વર્ગ -૧ ના અધિકારી નિલેશ પટેલને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે લાંચ લેતા રંગહાથ ઝડપી પાડ્યો હતો.
સૂત્રો અનુસાર વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી વુડા કચેરી ખાતેની રીજનલ ફાયર ઓફિસમાં વર્ગ-૧ના અધિકરી નિલેશ પટેલને આજે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રૂ. 2,25,000ની લાંચ લેતા રંગહાથ ઝડપી પાડ્યો હતો. જેમાં પંચમહાલ ખાતે આવેલી ડેરીના બિલ્ડીંગમાં ફાયર એન.ઓ.સી. માટે આ લાંચ માંગવામાં આવી હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે. છેલ્લા દોઢ મહિનાથી આ મામલે રકઝક ચાલી રહી હતી. ત્યારે રૂ. 4,50,000ની માંગણી સામે આજે રૂ. 2,25,000ની લાંચ સ્વીકારતા અધિકારી નિલેશ પટેલ ઝડપાયો હતો . તેની સાથે અન્ય એક શંકાસ્પદ વ્યક્તિની પણ એ.સી.બી.એ અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ગોધરામાં પંચમહાલ ડેરીની બિલ્ડિંગનું ફાયર એનઓસી મેળવવા માટે ફાયર એનઓસીનું કામ કરતી કોન્ટ્રાક્ટર દ્વારા વડોદરામાં વુડા સર્કલ પાસેની વુડા ઓફિસના ચોથા માળે કાર્યરત રિજિયોનલ ફાયર ઓફિસમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી બાદ તેની તપાસ ચાલતી હતી અને ફાયર એનઓસી લેવા માટે એનઓસીનું કામ કરતા કોન્ટ્રાક્ટર રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ ભીખાભાઇ પટેલ (રહે.સત્સંગવીલા, દેવસ્ય સ્કૂલ રોડ, વસ્ત્રાલ, ઓઢવ, અમદાવાદ)ને મળ્યા હતાં.
રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલે એનઓસી આપવા માટે ₹ ૨.૨૫ લાખની લાંચ માંગી હતી. આ લાંચની રકમ આપવી નહી હોવાથી આ અંગે એસીબીમાં ફરિયાદ આપતાં અરવલ્લી જિલ્લા એસીબીના પીઆઇ એચ.પી. કરેણે સ્ટાફના માણસો સાથે વુડા બિલ્ડિંગના ચોથા માળે લાંચનુ છટકું ગોઠવ્યું હતું. આજે બપોરે એસીબીની ટીમ વુડા ઓફિસ પાસે ગોઠવાઇ ગઇ હતી. ફાયર એનઓસી લેવા માટે નિલેશભાઇને મળતાં તેમણે લાંચની રકમ અંગે વાત કરી હતી.
દરમિયાન લાંચની રકમ નિલશ પટેલના એજન્ટ તરીકે કામ કરતાં અપુર્વસિંહ રણજીતસિંહ મહિડા (રહે.માંગલેજ તા.કરજણ)ને આપી દેવા જણાવ્યું હતું જેથી વુડા ઓફિસ પાસે અપુર્વસિંહને લાંચની રકમ આપ્યા બાદ આ રકમ મળી ગઇ છે તેવો કોલ કન્ફર્મ થતાં જ વુડા બિલ્ડિંગ તેમજ આસપાસ ગોઠવાઇ ગયેલી એસીબીની ટીમે સૌપ્રથમ અપુર્વસિંહ મહિડાને ઝડપી પાડયો હતો બાદમાં રિજિયોનલ ફાયર ઓફિસર નિલેશ પટેલને પણ પકડી લીધા હતાં. ઝડપાયેલા બંને સામે વડોદરા એસીબી દ્વારા ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Reporter: News Plus