વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભા મહાનુભાવોને શોકાંજલિ અર્પણ કરીને મુલતવી કરી દેવાઇ હતી. જો કે સભા મુલતવી રાખવા કરતાં મહાનુભાવોને શ્રદ્ધાંજલી અર્પણ કરીને સભા ચાલુ રાખી પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરીને તેનું નિરાકરણ લવાયું હોત તો કદાચ આ મહાનુભાવોને સાચી શ્રદ્ધાંજલી મળી શકી હોત અને આ મહાનુભાવો પણ વડોદરાના શાસકો પ્રત્યે ગર્વ અનુભવ્યા હોત..

આજે મહાનગરપાલિકા ખાતે સામાન્ય સભા મળી હતી...જો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચોટાલા, તબલા વાદક ઝાકીર હુસેન અને ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલના અવસાનના પગલે સભામાં શ્રદ્ધાંજલી આપીને સભા મુલતવી રખાઇ હતી અને આ સભા હવે આગામી 22 જાન્યુઆરીએ મળશે.જો કે મહાનગરપાલિકાની સામાન્ય સભા, પબ્લિકના પ્રશ્નોને વાચા આપવા માટે હોય છે, પરંતુ કોઈ પણ કારણોસર આ સભા મુલતવી કરી દેવામાં આવે છે. સભા ચલાવવામાં આ લોકોને જાણ કે રસ જ ના હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.શહેરના વિકાસમાં અને નાગરિકોના પ્રશ્નોના હલ થાય તેવું તેઓ ઇચ્છતા નથીં, સામાન્ય સભાની અંદર પણ પ્રાથમિક સુવિધાને લઈને ચર્ચા થતી હોય છે. શાસકો સ્માર્ટ સિટી વડોદરામાં હજુ પણ નાગરિકોને પ્રાથમિક સુવિધા આપી શકતા નથી.પાણી, રસ્તા અને ગટરની સમસ્યા હજુ પણ શહેરમાં છે પણ કોઇને કોઇ બહાનુ કાઢી સભાને મુલતવી કરી દેવામાં આવે છે. શોકદર્શક ઠરાવ પસાર કરીને સભામાં મહાનુભાવોને શ્રદ્ધાંજલી આપવા મુલતવી કરી દેવાય છે પણ જો સભા ચાલુ રાખીને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરી હોત તો તે કદાચ સાચી શ્રદ્ધાંજલી હોત.

આ સ્વર્ગસ્થ મહાનુભાવોને પણ વડોદરાની પ્રજા વતી શ્રદ્ધાજલી અપાય તેમાં કંઇ ખોટુ નથી અને આપવી જ જોઇએ. સ્વર્ગસ્થ મહાનુભાવોના કાર્યોને યાદ કરવા જોઇએ અને તેમની કાર્ય પ્રત્યેની નિષ્ઠાને પણ યાદ કરવી જોઇએ. સામાન્ય પ્રજા પ્રત્યેની તેમની લાગણીને યાદ કરીને જો સભા ચાલુ રાખી સામાન્ય પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લવાયું હોત તો કદાચ આ મહાનુભાવો પણ રાજી થાત પણ પાલિકાના આપણા શાસકો કદાચ તેમ ઇચ્છતા નથી. તેઓ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામાંથી છુટવા માગે છે તેમ લાગી રહ્યું છે. પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા અને તેનું નિરાકરણ કરવામાં તેમને કદાચ કોઇ ફાયદો નહી દેખાતો હોત નહીંતર તેઓ અચૂક ચર્ચા કરીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવત. આપણો એક પણ કોર્પોરેટર સભાને મુલતવી રાખવાના બદલે ચાલુ રાખો તેવુ બોલ્યો નથી અને એ જ બતાવે છે કે સભા ચાલે કે મુલતવી રહે તેમાં કોર્પોરેટરોને સહેજ પણ રસ નથી. પાલિકાના અધિકારીઓ તો ઇચ્છે જ છે કે સભા ના ચાલે કારણ કે જો સભા ચાલે તો તેમને કામ કરવું પડે અને તેમી પોલ પણ પકડાય અને તેથી વારંવાર આવા બહાના હેઠળ સભાને મુલતવી કરી દેવામાં આવે છે. સ્વર્ગસ્થ મહાનુભાવો પણ આવું ઇચ્છતા નહી હોય કારણ કે તેમણે તો આજીવન પ્રજાની સમસ્યા અને તેમની વેદનાને દુર કરવાના પ્રયાસો કરેલા હોય છે. આપણા બુદ્ધીશાળી શાસકોએ સમજવું જોઇએ કે લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે અને તેના નાણાંનો દુરપયોગ અને વેડફાટ એ ઘોર અપરાધ છે.


Reporter: admin