News Portal...

Breaking News :

મતદારોને જાગૃત કરવા ચુંટણી પંચ વતી શિક્ષણ અને અન્ય સંસ્થાઓ મેદાનમાં

2024-04-29 13:23:28
મતદારોને જાગૃત કરવા ચુંટણી પંચ વતી શિક્ષણ અને અન્ય સંસ્થાઓ મેદાનમાં

મતદાન બંધારણે આપેલો અધિકાર છે અને એના માટે જાગૃત રહેવું એ મતદારની ફરજ અને મતદાન કરવું એ નાગરિક કર્તવ્ય છે.પણ પ્રત્યેક ચુંટણી સમયે થોડાક લોકોને બાદ કરતા મતદારોના મોટા સમૂહને વિવિધ રીતે મતદાન કરવા માટે પ્રેરિત કરવા પડે છે,જોશ જગવવું પડે છે એ હકીકત છે.રસ્તા ઉપર બે જણ ઝઘડતા હોય તો આપોઆપ મોટું ટોળું તમાસો જોવા ઊભું થઈ જાય છે.પરંતુ આ જ ટોળાના લોકો પૈકી ઘણાં ને કહો કે મતદાન કરજો તો કહેશે કે જોઈએ નવરાશ મળશે તો કરીશું.તમાશો જોવા માટે ટાઇમ છે પણ મતદાન માટે મહોબ્બત થોડી ઓછી છે.લોકસભા ચૂંટણીઓ ના પહેલા બે તબક્કામાં અગાઉ કરતાં ઓછું મતદાન થયું છે.ગુજરાતમાં એવી ઉદાસીનતા મતદારો નહિ જ બતાવે એટલો તો વિશ્વાસ છે.છતાં ચુંટણી પંચ મતદારોને જાગૃત કરવામાં,મતદાનની તારીખ,સમય અને મતદાન મથકે લઈ જવાના મતદાર ફોટો ઓળખ પત્ર જેવા દસ્તાવેજોની જાણકારી આપવામાં કોઈ કચાશ રાખવા માંગતું નથી.રાજ્યની જાગૃત અને પ્રગતિશીલ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ હવે પંચ વતી મતદાન જાગૃતિ કેળવવા કમર કસીને મેદાનમાં આવી છે.ટ્રાવેલ સંચાલકોએ પ્રવાસી બસોની પાછળ મતદાનના અવસરના પોસ્ટર લગાવ્યા છે.છાત્ર સંસદ એક યુવા ચેતના સંસ્થા છે.એના દ્વારા એરપોર્ટ સર્કલ થી સોમા તળાવના રસ્તે ગુરુકુળ ચાર રસ્તા પાસે એક ખૂબ માર્મિક મતદાર જાગૃતિ હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે જેમાં ખૂબ સચોટ સંદેશ આપવામાં આવ્યો છે. એ જણાવે (અલબત્ત કલાત્મક અંગ્રેજી મા ) છે કે તમે કોને મત આપશો તેની અમને ચિંતા નથી.બસ તમે મતદાન અવશ્ય કરજો એટલો જ અમારો અનુરોધ છે. આ સંદેશ પટલ કદાચ ગુજરાતીમાં હોતતો ખૂબ અસરકારક બની શકત.અગાઉ ચુંટણીમાં જાહેર રસ્તાઓ, ત્રિભેટા અને ચાર રસ્તાઓ મતદાનનું અઠવાડિયું બાકી હોય ત્યારે ઉમેદવારો અને રાજકીય પક્ષોના મસમોટા બેનરો, હોર્ડિંગ્સ અને રાજ નેતાઓના વિશાળ કટ આઉટસ ની ભરમાર જોવા મળતી.ફરતી રિક્સાઓમાં માઇક દ્વારા પ્રચાર થતો.

હાલની ચુંટણીઓ માં આ બધું લગભગ ગાયબ છે.કારણ કે હવે આ બધી પ્રચાર સામગ્રી માટે ચુંટણી પંચની,જગ્યાના ઉપયોગ માટે માલિકની અથવા પાલિકાની મંજૂરી લેવી પડે છે.એનો ખર્ચ ચુંટણી પંચમાં નોંધાવવાનો રહે છે. એટલે શહેરના રસ્તાઓ પર ચુંટણી વિષયક ધણધણાટી અને હલચલ ઓછી છે.

   ત્યારે ચુંટણી પંચ વતી તટસ્થ રીતે મતદારોને જાગૃત કરવાની જવાબદારી સ્વેચ્છાએ શૈક્ષિણક અને સામાજિક સંસ્થાઓએ ઉપાડી લીધી છે.તેમાં એક નવા આયામ રૂપે આખો દિવસ જ્યાં લોકોની અવર જવર રહે છે એવા રોડ ક્રોસિંગ નજીક ટ્રાફિક ને અડચણ ન થાય એ રીતે મતદાન સંકલ્પ સહિ ઝુંબેશના પટલ લગાવવામાં આવી રહ્યા છે. 

   આજે સવારે ગુરુકુળ ચાર રસ્તા પાસે નજીકની નારાયણ સ્કૂલના શિક્ષકો અને ઇતર કર્મચારીઓનું ટોળું ખૂબ જહેમત ઉઠાવીને અવસર કેમ્પ લગાવી રહ્યું હતું.અહી સિગ્નેચર કેમ્પેન હેઠળ મોટા નાના પટલ પર આવતા જતા મતદાર નાગરિકોને મતદાન કરવાનો સંકલ્પ લેવા અને તેના પ્રતિક રૂપે દસ્તખત કરવા સમજાવવામાં આવશે.તેની સાથે અવસર સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યો છે.નજીકમાં નારાયણ સ્કૂલમાં જ મતદાન મથક છે ત્યારે મતદાન કરીને આવતા મતદારો આ સેલ્ફી પોઇન્ટ પર ઊભા રહી અવિલોપ્ય શાહીના ટપકાં વાળી આંગળી બતાવી પોતાની તસવીર લઈ શકશે.પહેલીવાર મતદાન કરવાના છે એવા મતદારો માટે આવી તસવીર પ્રથમ મતદાનની આજીવન યાદગાર બની શકે.

ઉમેદવારો પોતાનો જોશિલો પ્રચાર કરે એ સ્વાભાવિક છે.પરંતુ વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર લગભગ દોઢ દાયકા થી મતદાનની તારીખનો પ્રચાર કરવામાં અને મતદાન પ્રેરણાના જોશીલા કાર્યક્રમો યોજવામાં આખા રાજ્યમાં અગ્રેસર છે. ચુંટણી પંચના મતદાર શિક્ષણ અને ચુનાવી સહભાગીદારી વધારવાના કાર્યક્રમ sveep હેઠળ વડોદરા હંમેશા રાજ્ય અને દેશ માટે પ્રેરણાપ્રદ અભિનવ કાર્યક્રમો મોટા પાયે યોજે છે.જિલ્લા ચૂંટણી અધિકારીઓ ના પીઠબળ થી જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.સુધીર જોશી લગભગ જીવ રેડીને આ બધાનું આયોજન કરે છે.તેમાં એમણે શાળા કોલેજો ની યુવા શક્તિને જોડી છે.તેના પરિણામે મતદારોમાં જાગૃતિ દ્રઢ બને છે.અને વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રને મતદાર જાગૃતિ ના અસરકારક આયોજન માટે પંચ ના એવોર્ડ્સ મળ્યા છે.સુધીરભાઈ ની ધગશ સલામ ને પાત્ર છે. ૭ મી મે ના રોજ મતદાન થવાનું છે.એની આડે માંડ ૮ દિવસ રહ્યા છે.અવળી ગણતરી શરૂ થઈ ગઈ છે.ત્યારે સૌ મતદાન કરવા સુસજ્જ અને સુસંક્લપિત બને.લોકશાહી એટલી જ અપેક્ષા રાખે છે એટલે મતદાનનો નાગરિક ધર્મ અવશ્ય નીભાવજો..

Reporter: News Plus

Related Post