News Portal...

Breaking News :

દુમાડમાં સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સાથે કરાટે ચેમ્પિયન ઇશિતા થીટે પણ થયા સહભાગી

2024-09-27 18:24:57
દુમાડમાં સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સાથે કરાટે ચેમ્પિયન ઇશિતા થીટે પણ થયા સહભાગી


વડોદરા જિલ્લામાં ઉત્સાહભેર ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગામેગામ, નગરનગર યોજાતા કાર્યક્રમોની શ્રેણીમાં દુમાડ ખાતે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સાથે શહેરના જાણીતા માર્શલ આર્ટના ખેલાડી કુ. ઇશિતા થીટે પણ સહભાગી થયા હતા. 


સ્ત્રી સશક્તિકરણના પ્રતીક સમી આ બન્ને મહિલા અગ્રણીઓએ ગ્રામજનોએ સ્વચ્છતાનું મહાત્મ્ય સમજાવ્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ સુંદર વાત કહી. તેમણે જણાવ્યું કે, આપણે બપોરે જે થાળીમાં જમીએ છે, તે જ થાળીને ધોયા વીના સાંજે તેમાં જઇએ છીએ ? ભોજનની થાળીને ધોઇને બીજી વખત તેનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જ્યાં રહીએ છીએ, વસવાટ કરીએ છીએ તેની આસપાસ ગંદકી ના થાય, કચરો જ્યાં ત્યાં ના ફેંકાઇ એ પણ જોવાની જવાબદારી એક નાગરિક તરીકે આપણી છે. વિશેષતઃ દુમાડ ખાતે ઉપસ્થિત ગામની મહિલાઓને સંબોધન કરતા હિરપરાએ કહ્યું કે, હવે દિવાળી દૂર નથી. દિવાળી પૂર્વે ઘરની સફાઇ કરવાની આપણી પરંપરા છે. જો દિવાળી પૂર્વે ઘરની સ્વચ્છ કરતા હોઇએ તો ગામને પણ આપણે સ્વચ્છ રાખવું જોઇએ. 


રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાનથી પ્રેરિત થઇ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા માર્શલ આર્ટના કુ. ઇશિતા થીટે જણાવ્યું કે, સફાઇ અને સ્વચ્છતા એ સ્વભાવમાં હોવી જોઇએ. આપણા કચરાનો આપણે જ યોગ્ય રીતે નિકાલ કરવો જોઇએ. તેમણે વિદેશમાં સફાઇ અને સ્વચ્છતા પ્રત્યે નાગરિકોની સજગતાનો પણ ઉલ્લખે કર્યો હતો.જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હિતેશ પરીખે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. શાળાના બાળકોએ નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી ગ્રામજનોને સ્વચ્છતા હી સેવાનો સંદેશ આપ્યો હતો. આ અભિયાન અંતર્ગત શાળામાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં વિજેતા બાળકો વૈષ્ણવી, ઋષિકેશ સોલંકી અને આનંદ વસાવાને ઇનામ આપીને મહાનુભાવોએ પ્રોત્સાહિત કર્યા હતા. ગ્રામજનોએ સ્વચ્છતા સંકલ્પ લીધા હતા. ૧૦ બાળકોને ગામના સ્વચ્છતા મોનિટર બનાવવામાં આવ્યા હતા. આ વેળાએ આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ રોહિત, જિલ્લા આયુષ અધિકારી ડો. સુધીર જોશી, તાલુકા વિકાસ અધિકારી વિકાસ પ્રજાપતિ, સરપંચ કલ્પનાબેન ચૌહાણ, એસબીએમના રૂપાબેન ગોહિલ, આચાર્ય આનંદીબેન ઉપસ્થિત રહ્યા હતા. 

Reporter:

Related Post