ભારતીય સેનાની ભરતી કચેરી દ્વારા અહીંના મ. સ. યુનિવર્સિટીના પેવેલિયનમાં ચાલી રહેલી અગ્નિવીર ભરતી પ્રક્રીયાના બે દિવસમાં કુલ ૩૦૫ ઉમેદવારો કઠીન ગણાતી દોડની કસોટીમાં ઉત્તીર્ણ થયા છે.
દોડની કસોટીમાં ખરા ઉતરેલા ઉમેદવારોની આગળની કસોટી પણ એ દિવસે હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વિવિધ જિલ્લામાંથી વડોદરા આવતા ઉમેદવારોને કોઇ મુશ્કેલી ના પડે એવી વ્યવસ્થા કરવા માટે કલેક્ટર બિજલ શાહ દ્વારા આપવામાં આવેલી સૂચનાને પગલે નિવાસી અધિક કલેક્ટર ભરત પટેલ દ્વારા વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પીવાના પાણી ઉપરાંત રાત્રી નિવાસ અને ભોજનની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. ઉમેદવારો એક વખત પેવેલિયનના માર્શલ એરિયામાં પ્રવેશ થાય એ બાદ સર્વ પ્રથમ દોડની કસોટી આપવાની હોય છે.
એમાં સફળ રહેલા ઉમેદવારોને બાકીની કસોટી આપવા માટે રોકાવું પડે છે. આ બાબતને ધ્યાન રાખીને સફળ રહેલા યુવાનો માટે જિલ્લા વહીવટી દ્વારા સ્થળ ઉપર પોષણયુક્ત ગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. દોડ પછી લાંબો કુદકો, બેઠક, પુલઅપ્સ સમતોલન, ઉંચો કુદકો સહિતની કસોટી બાદ શૈક્ષણિક લાયકાત માટે દસ્તાવેજોની ચકાસણી કરવાની હોય છે. એ બાદ યુવાનનું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે. આ તબક્કા સુધી પહોંચેલા યુવાનોને રાત્રી રોકાણ કરવાની પણ જરૂર પડે છે. એ સ્થિતિને ધ્યાન રાખીને નિઝામપૂરા સ્થિત અતિથિ ગૃહમાં ૨૦૦ યુવાનો રોકાઇ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Reporter: admin