મહાનગરપાલિકા અને હેરિટેજ કન્સલ્ટન્ટની ટીમે આધુનિક મશીનથી માંડવી વિસ્તારમાં જમીનનું ટેકનિકલ સર્વે હાથ ધર્યું
તપના 423માં દિવસે હેરિટેજ કન્સલ્ટન્ટ સુમેશ મોદી સહિતની ટીમે જીઓ-ટેકનિકલ મશીનથી સર્વે કર્યો...
વડોદરાની ઐતિહાસિક માંડવી વિસ્તારમાં આજે તપના 423માં દિવસે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. માંડવી નીચે જમીનની સ્થિતિ જાણવા માટે વડોદરા મહાનગરપાલિકાના હેરિટેજ કન્સલ્ટન્ટ સુમેશ મોદી તેમજ વોર્ડ નં. 14 ના એન્જિનિયર સહિતની ટીમે આધુનિક જીઓ-ટેકનિકલ મશીનનો ઉપયોગ કરીને સબસર્ફેસ સર્વે હાથ ધર્યો હતો. આ મશીનની મદદથી જમીનની અંદર લગભગ પાંચ મીટર સુધીની પરિસ્થિતિનો અંદાજ મેળવી શકાય છે, જેમાં પાણીની લાઈનો, ડ્રેનેજ લાઈનો તેમજ અન્ય ભૂગર્ભ રચનાઓ અંગેની માહિતી એકત્રિત થાય છે.
આ સર્વે દરમિયાન જર્જરીત પિલ્લર નજીકનો વિસ્તાર ખોદવામાં આવ્યો હતો. તે સમયે કોટા સ્ટોન તથા ઐતિહાસિક ફ્લોરિંગના કેટલાક પથ્થરો કાઢવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ કામગીરી બાદ ખોદાયેલા ખાડાઓને ફરીથી પૂરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રિપોર્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.
પરંતુ સ્થાનિક સ્તરે આ કામગીરી અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. માંડવીના અન્ય વિસ્તારોમાં જ્યાં ફ્લોરિંગને નુકસાન પહોંચાડ્યા વિના જ આવા ટેકનિકલ સર્વે કરવામાં આવ્યા હતા, ત્યાં જર્જરીત પિલ્લર આસપાસ ઐતિહાસિક પથ્થરો ઉખાડવાની જરૂર શા માટે પડી તે અંગે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ કારણે ઐતિહાસિક માળખાને નુકસાન થવાની શક્યતા વધી શકે છે.
હવે આ સર્વેનો વિગતવાર રિપોર્ટ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે, જેના આધારે આગળનું રિસ્ટોરેશન કાર્ય હાથ ધરવામાં આવશે. જોકે રિસ્ટોરેશન ક્યારે શરૂ થશે અને કેવી રીતે થશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સ્થાનિક લોકો મહાનગરપાલિકાથી સ્પષ્ટતા અને ઝડપી કામગીરીની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.
Reporter: admin







