વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં અગાઉ પબ્લિક બાઈસીકલ શેરિંગ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે.
સાઈકલો હાલ ભંગાર જેવી હાલતમાં બહાર કટાઈને પડી રહી છે. એક પણ સાઈકલ ચાલી શકે તેવી રહી નથી. સાઇકલોના પૈડામાંથી હવા નીકળી ગઈ છે. ખુલ્લામાં પડી રહેલી આ સાઇકલો સાંકળથી બાંધી દેવામાં આવી છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા વર્ષો અગાઉ ઇન્દોર, મુંબઈ, કોચી, નાગપુર, અમદાવાદ અને ઉદયપુર જેમ બાઈસીકલ શેરિંગ સર્વિસ છે, તે પ્રકારની સર્વિસ વડોદરા શહેરમાં પણ શરૂ કરવા આયોજન હાથ ધર્યું હતું. આ માટે કોર્પોરેશન દ્વારા કમાટીબાગની પસંદગી કરવામાં આવી હતી. આયોજન મુજબ બાગના દરેક ગેટ પર સાઈકલો મુકવાની વાત હતી.
બાગમાં આવતા સહેલાણીઓ સાઇકલનો ઉપયોગ કરી શકે તે માટે કોર્પોરેશન દ્વારા પબ્લિક બાઈસીકલ સર્વિસની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મુકવા, સાઈનબોર્ડ પ્રદર્શિત કરવા આયોજન હતું. ઉપરાંત ફૂટપાથ તથા ઇલેક્ટ્રીક પોલ પર વિગતો દર્શાવવા અને ડિસ્પ્લે દ્વારા પ્રદર્શિત કરવાની વાત હતી. સાઇકલોના ઉપયોગ માટે નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર અતુલ ગામેચી ના કહેવા મુજબ કમાટી બાગ ખાતે સાઈકલ સ્ટેન્ડમા સાઈકલો ધૂળ ખાતી હાલતમાં કટાઈ ગયેલી પડી રહી છે. તેના પૈડામાં હવા નથી, ચેઇનો ઉતરી ગઈ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો વેરાના રૂપિયાનું પાણી કરી રહ્યું છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પણ કરોડોના ખર્ચે સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો ત્યાં પણ સાઇકલિંગ કરી શકાય તેવી સ્થિતિ નથી.ફક્ત સાયકલિંગ અને સાયકલ ટ્રેકના નામે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ જનતાના વેરા ના નાણા નો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
Reporter: admin