વરસાદમાં વિશ્વામિત્રી નદી જ નહી,વડોદરાની અવરોધવાળી વરસાદી કાંસો પણ રોદ્ર સ્વરૂપ બતાવે છે...
બાબુજી... ધીરે નહી, તેજ ચલો...વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 41 દિવસ થયા પણ કામ માંડ 30-35 ટકા જ થયું છે...

વડોદરાવાસીઓએ ગયા વર્ષે એક જ ચોમાસાની સિઝનમાં ત્રણ ત્રણ વખત વિશ્વામિત્રીનો પૂરનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાનાં પાપે પ્રજાને 25 હજાર કરોડથી વધુ રુપિયાનું માલ મિલકતનું નુકશાન થયું હતું. પ્રજાનો આક્રોશ જોતાં મુખ્યમંત્રીની સૂચનાથી કોર્પોરેશને નવલાવાલા રિપોર્ટના આધારે વિશ્વામિત્રી પ્રોજેક્ટનો ગઇ 9 માર્ચે હોંશે હોંશે નારીયેળ ફોડીને, ફોટા પડાવીને પ્રારંભ કર્યો હતો. 100 દિવસમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત મહત્વના કહી શકાય તેવા તમામ કામો પુરા કરી દેવાશે,તેવી અહંકારી પૂર્વ કમિશનર રાણાજી અને તુમાખીભર્યા વર્તનના કારણે પંકાયેલા મેયર પિંકી સોનીએ જાહેરાતો કરી હતી . પ્રજાને યાદ આવી ગયું છે કે આ 100 દિવસમાં જે કામ પુરુ કરવાનું હતું તેનો આજે એટલે કે રવિવારે 41મો દિવસ છે અને 41 દિવસમાં માત્ર 30થી 35 ટકા જ કામ થયું છે. આમ જોવા જઇએ તો હવે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 59 દિવસ જ બાકી રહ્યા છે અને 70 ટકા કામગીરી હજુ થઇ જ શકી નથી. 100 દિવસના ટાર્ગેટની વાત કરીએ તો અત્યારે જે કામ થયું છે. તેમાં 30 દિવસની ઘટ પડે છે. પરિણામે કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધીકારીઓ આરંભે શૂરા સાબિત થયા છે. હાલના નવા કમિશનર અરુણ મહેશ બાબુ સ્વચ્છતા પર ભાર મુકી રહ્યા છે પણ તેમણે વડોદરાવાસીઓના સપના સમાન વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઉપર અગમ્ય કારણસર ખાસ ધ્યાન આપ્યું હોય તેવું લાગતું નથી. બાબુજીનાં રાજમાં કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. કમિશનર બાબુજીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં અત્યાર સુધી કોઇ અસરકારક કામગીરી કરાવી શક્યા નથી. રાણાજી તો વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં રાત-દિવસ રચ્યાપચ્યાં રહેતા હતા.કામની સાથે પોતાના વિકાસ પર ધ્યાન આપતા હતા. દારુની ભઠ્ઠીઓ પણ શોધી આપીને સીનશોટ કર્યા હતા.બાબુજીએ હજુ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર પુરતું ધ્યાન આપ્યું નથી તેવું લાગી રહ્યું છે. બાબુજીએ ઇફેક્ટિવ મુલાકાત વિશ્વામિત્રીની લીધી નથી. તેઓ મીડિયાથી પણ દુર રહેવાનું પસંદ કરી રહ્યા છે.શહેરનાં કેટલાક તળાવો ખાલી કરવાની જાહેરાત પણ મોટા ઉપાડે કરવામાં આવી હતી. હવે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત જે તળાવોનું કામ ચાલી રહ્યું છે. તેના પર જ ધ્યાન ફોક્સ કરાયું છે.જેથી કોર્પોરેશનની એ જાહેરાત પર પણ ફિયાસ્કો જ થયો છે. બાબુજીએ ધ્યાન આપવું જોઇએ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ વડોદરાના લોકોને પૂરથી બચાવવા શરુ કરાયો હતો પણ તેમાં હજુ ગતિ આવી નથી. વરસાદી કાંસોની પણ સફાઇ થઇ નથી. સાથે સાથે પ્રી- મોન્સુન પ્લાન પણ શરુ થયો નથી. તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટનું ડે ટુ ડે ફોલોઅપ લેવું પડશે અને ગુટલીબાજ અધિકારીઓ પાસે કડક હાથે કાર્યવાહી કરવી પડશે તો જ વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ સમયમર્યાદામાં થઇ શકશે. વડોદરાના નેતાઓ અને પદાધીકારીઓને સત્તાનો મદ ચડી ગયો છે. તેમને તો પોતાના વિકાસમાં જ રસ છે. સ્થાયીના કરોડેનાં મલાઇદાર કામોમાં રસ છે. પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ અપાવામાં રસ છે. નેતાઓનો ઇગો વધી ગયો છે મને બોલાવતા નથી તેવો ઇગો રાખીને પ્રજાનું કામ ટલ્લે ચઢાવી રહ્યા છે. વડોદરાની જનતાની તેમને પડી નથી જેથી બાબુના ખભે જ તમામ જવાબદારી છે. વડોદરાની પ્રજાની બાબુજી પાસે સારી અપેક્ષા છે અને જો તેઓ આ અપેક્ષા પુરી કરશે તો વડોદરાની જનતા કાયમ તેમને યાદ રાખશે. રાણાજી ગયા ત્યારથી વિશ્વામિત્રીમાં કામ મંદ ગતિ એ ચાલી રહ્યું છે, પ્રજાની પ્રાથમિક્તા અને જરુરીયાત હાલ પૂર છે પણ કમિશનર સ્વચ્છતા પર ધ્યાન ફોક્સ કરી રહ્યા છે.
નેતાઓને તો વડોદરાની જનતાની પડી જ નથી.
વડોદરાના નેતાઓ અને પદાધીકારીઓને તો વડોદરાની જનતાની પડી જ નથી. વિશ્વામિત્રીમાં છેલ્લા 3 દાયકાથી દર વર્ષે પૂર આવતા રહે છે અને નેતાઓ વિશ્વામિત્રી પ્રોજેક્ટના સપના બતાવી બજેટ પાસ કરાવીને પોતાનો વિકાસ કરી રહ્યા છે. નેતાઓને સ્થાયીના કામોમાં જ રસ છે અને પોતાના મળતીયાઓને કોન્ટ્રાક્ટ મળે તેમાં જ તે ધ્યાન આપી રહ્યા છે. જેથી કમિશનર બાબુના ખભા પર જ હવે વિશ્વામિત્રી પ્રોજેક્ટની જવાબદારી છે. તે હોંશિયાર અધિકારી છે અને વડોદરાની જનતા ઇચ્છી રહી છે કે હાલ અમારી પ્રાયોરીટી વિશ્વામિત્રી પ્રોજેક્ટની છે તો કમિશનર તેની પર ધ્યાન આપશે
નવા તળાવો ખાલી નહી થાય...
અત્યારે જે જુના તળાવો છે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં છે તેને ખાલી કરવાની કામગીરી ચાલી રહી છે પણ નવા કોઇ તળાવો ખાલી કરવામાં નહી આવે
ધાર્મિક દવે, અધિકારી કોર્પોરેશન

પ્રજાએ ગયા વર્ષે ત્રણ ત્રણ વખત પૂરનો સામનો કરવો પડ્યો હતો...
બાબુજીએ જે રીતે ચાર્જ લેતા જ સાફ સફાઇના મુદ્દે મિટીંગો કરી અને ચાર એન્જિનીયરોને પણ સ્વચ્છતા પર ધ્યાન રાખવાની જવાબદારી પણ સોંપી દીધી પણ તેમણે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર પણ ફોક્સ કરવાની તાતી જરુરીયાત છે. પ્રજાને સ્વચ્છતા કરતાં પ્રાયોરીટી વિશ્વામિત્રી પ્રોજેક્ટની છે. પ્રજાએ ગયા વર્ષે ત્રણ ત્રણ વખત પૂરનો સામનો કરવો પડ્યો હતો. અને તેમાં પ્રજાને જે હાલાકી પડી છે તે હજુ પણ પ્રજા ભુલી નથી. પ્રજાને કરોડો રુપિયાનું નુકશાન પણ થયું છે ત્યારે કમિશનરે હવે કડક બનવું જરુરી છે.
કોર્પોરેશનનો ટોલ ફ્રી નંબર રાત્રે તો લાગતો જ નથી...
કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધીકારીઓ ઉત્સાહમાં આવી જઇને કોઇ કામ તો શરુ કરી દે છે અને પ્રજાની વાહવાહી લૂંટવા જાહેરાતો પણ કરી દે છે પણ પછી આ કામ યોગ્ય રીતે ચાલે છે કે કેમ અને પ્રજાને તેનો લાભ મળે છે કે કેમ તે ચકાસતા જ નથી. તમને બધાને ખબર હશે કે વિવિધ ફરિયાદો માટે વીએમસીએ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. કોઇ પણ ફરિયાદ હોય તો 18002330265 ટોલ ફ્રી નંબર પર ફોન કરવા પ્રજાને જણાવાયું છે. પણ ચોંકાવનારી વાત એ છે કે આ ટોલ ફ્રી નંબર રાત્રે 8 વાગ્યાથી સવારે 8 સુધી તો આ હેલ્પલાઇન નંબર લાગતો જ નથી. માત્ર રીંગ જાય છે કોઈ ઉપાડતું નથી.ખરેખર તો ટોલ ફ્રી નંબર 24 કલાક અને સાતેય દિવસ સતત ચાલુ હોવો જોઇએ પણ આ ફોન પર જો તમે રાત્રે 8 વાગ્યા પછી ફોન કરો તો લાગતો જ નથી. તમે મોટા ઉપાડે નંબર તો આપી દો છે પણ એ ચેક તો કરો કે રાત્રે નંબર લાગે છે કે કેમ.ખાનગી એજન્સીને આ જવાબદારી સોંપાઈ છે. બાબુજી આ ઘોર નિષ્કાળજીને ધ્યાને લેવી જરુરી છે. નાગરિકોને સરળતા પડે એ રીતે સિસ્ટમ બનાવવી જ પડશે. નહીંતર નાગરિકો જે ફરિયાદ લઈને આવશે તે માત્ર ધક્કા જ ખાવાનો વારો આવશે.
સુરતના ભાજપના નેતા પાસેથી વડોદરાના નેતા કંઇક ધડો લે
સુરતના ભાજપના નેતાએ પ્રજાના હિતમાં ખુલ્લેઆમ બહાર આવીને એમ જણાવ્યું છે કે ગુજરાતની 19 નદી ગંભીર રીતે પ્રદૂષીત થઇ ગઇ છે અને તેમાં વડોદરાની વિશ્વામિત્રી નદીનો પણ સમાવેશ થાય છે. જો સુરતના ભાજપના નેતા પ્રજાની તરફેણમાં આવું બોલી શકતા હોય તો વડોદરાના નેતાઓએ પણ તેમનામાંથી શીખવું જોઇએ અને કોઇનો પણ ડર રાખ્યા વગર વિશ્વામિત્રીના પ્રદૂષણ અને દબાણો વિશે જાહેરમાં બોલવું જોઇએ. કોર્પોરેટર આશિષ જોશી અને મનિષ પગાર જે રીતે પ્રજાના હિતમાં કોઇની પણ પરવા રાખ્યા વગર લડે છે તે જ રીતે દરેક નેતાએ ખુલીને બહાર આવવું જોઇએ. પક્ષાપક્ષીથી પર રહીને નેતાઓએ વડોદરા શહેરની ચિંતા રાખવી જોઇએ પ્રજાના હિતમાં તો તમારે ખુલીને બહાર આવવું જ પડશે. જો હવે વડોદરામાં પૂર આવ્યું તો દરેક નેતાઓએ સમજી લેવાનું છે કે તેમની હાલત શું થશે

Reporter: admin