News Portal...

Breaking News :

MSU ઝૂંબેશ વાયરલ થતા સત્તાધારી પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો.

2024-06-18 13:30:15
MSU ઝૂંબેશ વાયરલ થતા સત્તાધારી પક્ષમાં ફફડાટ વ્યાપી ગયો.


એમ એસ યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશનના મામલે લોકોનો આક્રોશ પારખી ગયેલા ભાજપના નેતાઓએ મોડીસાંજે તાબડતોબ બેઠક યોજી હતી. 


શહેરની એક વૈભવી હોટલમાં યોજાયેલી હાઈ વોલ્ટેજ બેઠકમાં વડોદરા શહેરના પાંચે-પાંચ ધારાસભ્યો અને સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. એમ એસ યુનિવર્સિટીને કોમન એક્ટમાં સમાવ્યા પછી વડોદરાના વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાયને લીધે ભાજપ સરકારની છબી ખરડાઈ રહી છે. વડોદરાવાસીઓમાં સરકાર સામે અસંતોષનો ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં સરકારને સમજાવીને વચગાળાનો રસ્તો કાઢવા માટે નેતાઓએ તાકિદની બેઠક યોજી હતી.વૈભવી હોટલમાં યોજાયેલી બેઠકમાં સાંસદ ડો. હેમાંગ જોશી, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, રાવપુરાના ધારાસભ્ય બાળુ શૂક્લ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયા અને શહેર-વાડી વિધાનસભાના મનીષા વકિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજની બેઠકનો મુખ્ય એજન્ડા એમ એસ યુનિવર્સિટીની સ્વાયત્તતા અને સ્થાનિક વિદ્યાર્થીઓના એડમિશનનો હતો. 


કોમન એક્ટ લાગુ થયા પછી એમ એસ યુનિવર્સિટીએ એડમિશનની સત્તા ગુમાવી દીધી છે. જેના પરિણામ સ્વરૂપે વડોદરા શહેરના લગભગ સાડા પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવુ પડ્યુ છે. એમ એસ યુનિવર્સિટી મૂળ વડોદરાની છે. વડોદરાની અસ્મીતા છે. એમ એસ યુનિવર્સિટીના નિર્માણનો મુખ્ય હેતૂ વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણ મળે તે માટેનો છે. આ હેતૂને હટાવીને ભાજપની સરકારે કોમન એક્ટના નામે એમ એસ યુનિવર્સિટીને પચાવી પાડી છે. આ વખતે એમ એસ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલી વખત વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રહેવુ પડ્યુ છે. આવા ભારોભાર અન્યાય સામે વડોદરાની જનતામાં રોષ ભભૂકી ઉઠ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ફાઈટ ફોર એમએસયુના હેશટેગ ઉપર રીતસરનું આંદોલન શરુ થયુ છે. એમએસયુ બચાવ આંદોલનમાં જો વડોદરાની જનતા જોડાય તો ભાજપ માટે મુશ્કેલી ઉભી શકે તેમ છે. આવી કપરી પળોને પારખી ગયેલા નેતાઓએ આજે તાબડતોબ બેઠક બોલાવીને યુનિવર્સિટીની સમસ્યાના સમાધાન મેળવવાના વિકલ્પો અંગે ચર્ચા કરી હતી.

Reporter: News Plus

Related Post