કેદારનાથ: કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ વરસાદી આફતે અનેક મુશ્કેલીઓ ઉભી કરી છે.

અહીં યાત્રાળુઓના માર્ગ પર કાટમાળ પડતા એક શ્રદ્ધાળુનું મોત અને બે ઈજાગ્રસ્ત થયા છે. રસ્તા પર અનેક ઠેકાણા પાણી ભરાતા રસ્તો બંધ કરવાની નોબત ઉભી થઈ છે.હવામાન વિભાગે કેદારનાથ ધામમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાનું એલર્ટ જાહેર કર્યું છે અને અહીં સતત વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ભૂસ્ખલન પ્રભાવીત જંગલચટ્ટીના રસ્તા પર ઘણું નુકસાન થયું છે. સલામતીના ભાગરૂપે અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી કેદારનાથ ધામની પગપાળા યાત્રા સોનપ્રયાગથી સ્થગિત કરવામાં આવી છે.
પોલીસની ટીમ જંગલચટ્ટી વિસ્તારમાં ફસાયેલા શ્રદ્ધાળુઓની મદદ કરી રહી છે અને તેમને સુરક્ષીત સ્થળે ખસેડી રહી છે.પોલીસ અધિક્ષક અક્ષય કોંડેએ કેદારનાધામ આવી રહેલા શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, તેઓ જ્યાં છે, ત્યાં સુરક્ષિત રહે અને નજીકના સ્થળો અથવા હોટલમાં રહે. બીજીતરફ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલમાં રવિવારે (15 જૂન) સવારે એક હેલીકોપ્ટર ક્રેશ થતા સાત લોકોના મોત થયા છે. આમાં બે વર્ષનું બાળક પણ સામેલ છે. NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે રાહત અને બચાવની કામગીરી કરી રહી છે.
Reporter: admin