અગ્નિશમન વિભાગ ચોમાસા માટે સંપૂર્ણ સજ્જ, ૨૦ ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈનાત

આગામી ચોમાસાની ઋતુ દરમિયાન સંભવિત પૂર, જળભરાવ તથા અન્ય કુદરતી આપત્તિઓ સામે ઝડપી અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ દ્વારા વ્યાપક પ્રિ-મોન્સુન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.વિભાગ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને પૂર તથા જળબચાવ કામગીરીમાં વધુ નિપુણ બનાવવા માટે મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલ ખાતે વિશેષ તરણ તાલીમ, રિહર્સલ તથા પ્રાયોગિક અભ્યાસ સતત ચાલી રહ્યો છે. આ તાલીમનો મુખ્ય હેતુ આપત્તિ સમયે બચાવકર્મીઓની ગતિ, કાર્યક્ષમતા અને ક્ષમતામાં વધારો કરવાનો છે.
આ ઉપરાંત રબર બોટ, ફાયર બોટ તથા બચાવ નૌકાઓનું મહીસાગર નદી અને સુરસાગર તળાવ ખાતે સફળ પરીક્ષણ અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે. કટોકટી સમયે ઉપયોગી જનરેટર, ટ્રેક્ટર, ટેલિસ્કોપિક લાઈટ સહિતના સાધનોની પણ નિયમિત ચકાસણી કરીને તેની કાર્યક્ષમતાની ખાતરી કરવામાં આવી છે.શહેરમાં પૂર જેવી સ્થિતિમાં તાત્કાલિક સહાય મળી રહે તે માટે કુલ ૨૦ ફ્લડ રિસ્પોન્સ ટીમો તૈયાર કરવામાં આવી છે, જે શહેરના તમામ વોર્ડમાં એકસાથે બચાવ અને રાહત કામગીરી માટે સક્ષમ રહેશે.નાગરિકોની સુવિધા અને આપત્તિ વ્યવસ્થાપન સંકલન માટે ૧ જૂન ૨૦૨૬થી બદામડીબાગ ખાતે ૨૪ કલાક કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સાથે જ “ફ્લડ રિસ્પોન્સ પ્લાન-૨૦૨૬” પણ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તમામ અધિકારીઓના સંપર્ક નંબર, સાધનસામગ્રીની વિગતો અને વિભાગોની જવાબદારીઓ નિર્ધારિત કરવામાં આવી છે.વડોદરા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગે ચોમાસા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણ સજ્જતા દર્શાવી છે.
Reporter: admin







