વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરના ભૂખી કાંસને ઊંડી કરવા, સફાઇ કરવા અને તેના ડાયવર્ઝનના ૪૦ કરોડના ટેન્ડરના વિવાદમાં કોર્પોરેશનના નાયબ કાર્યપાલક ઇજનેર લક્ષ્યાંક નદેરિયાએ કોન્ટ્રાકટરને ટેન્ડર નહીં ભરવા ફોન પર ધમકી આપતા તેની સામે ૧૫ દિવસમાં તપાસ કરીને કાર્યવાહી નહીં કરાય તો ઇજનેર સામે પગલાં ભરવા જનરલ બોર્ડમાં દરખાસ્ત મૂકવા ભાજપના કોર્પોરેટરે ચીમકી આપી હતી.
વડોદરા કોર્પો.ની બજેટ બેઠકમાં ભાજપના વોર્ડ નં.૩ ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ આ મુદ્દે કહ્યું હતું કે ભૂખી કાંસના ટેન્ડરમાં બે કોન્ટ્રાકટરે રિંગ કરી ટેન્ડર ભર્યું હતું અને ત્રીજું ટેન્ડર મેહુલ કન્સ્ટ્રકશને ભર્યું હતું. જેથી ઇજનેર લક્ષ્યાંકે તેને ફોન કરીને કહ્યું હતું કે તમે આ ટેન્ડર ન ભરતા. મોટા માથાઓએ ભર્યું છે. દરમિયાન મેહુલ પાસે કામગીરીના અનુભવનું સર્ટિ. ન હોવાથી તેમજ ટેન્ડર ફી અને બેન્ક ગેરંટી ભરપાઇ કરી કે નહીં તેની જાણકારી ઓનલાઇન નહીં મૂકતા તેને ગેરલાયક ઠેરવ્યો હતો.
સભામાં જાડેજાએ એવી પણ રજૂઆત કરી હતી કે જો હું ખોટો હોઉં તો હું સજા ભોગવવા તૈયાર છું. પાર્ટી મારી સામે એકશન લે. જો ઇજનેર દોષી હોય તો તેની સામે પગલાં લો. ૧૫ દિવસની તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત થઇ જશે. સરકારે પૂર નિયંત્રણ માટે આપેલા ૧૨૦૦ કરોડ અધિકારીઓને લૂંટવા અને બંગલા બાંધવા નથી આપ્યા. કોર્પોરેશનમાં અધિકારીઓનું શાસન છે કે શાસક પક્ષનું ? દરમિયાન કોંગ્રેસે ઇજનેરને સસ્પેન્ડ કરી પગલાં લેવા માગ કરી છે.
Reporter: admin