મ્યુ.કમિશનરની કેમ્પ ઓફિસ ફરી ચર્ચામાં. ફરી વહીવટ ચાલુ ?..

કમાટીબાગની કેમ્પ ઓફિસની આસપાસમાં પણ બીજા કેટલાક અધિકારીઓનાં છુપા અડ્ડા છે કે જ્યાં બારોબાર કોન્ટ્રાક્ટરો-મળતીયાઓ સાથે અધિકારીઓનો વહીવટ થાય છે...
આમ તો કમાટીબાગની કેમ્પ ઓફિસ અનેક વાર વિવાદોમાં આવતી જ રહી છે કારણકે જે કામો કમિશનર ઓફિસમાં ના થતાં હોય તે કામો કેમ્પ ઓફિસમાં જાઓ તો આરામથી થઇ જાય છે. શહેરના સામાન્ય નાગરીક માટે કેમ્પ ઓફિસ નથી પણ માલેતુજારો બિલ્ડરો, આર્કિટેક્ટો તથા કોન્ટ્રાક્ટરોને આ કેમ્પ ઓફિસ ફાયદો કરાવી દે છે તેવું પાલિકાના વર્તુળોમાં જ ચર્ચા ચાલે છે.

વડોદરાના હમણાં જ વિદાય થયેલા કમિશનર રાણાજી તો મોટાભાગનો સમય કેમ્પ ઓફિસમાં જ વીતાવતા હોવાનું પાલિકાના સંકુલમાં જ ચર્ચાતુ હતું કારણકે અહીં બેસીને ફાઇલોનો નિકાલ કરવામાં કમિશનરો અને અધિકારીઓને જે મીઠી મજા આવે છે તેવી મજા કમિશનર કચેરીમાં આવતી નથી. અગાઉના કમિશનર રાણાજીના કારણે કેમ્પ ઓફિસ ભારે ચર્ચામાં રહેતી હતી. એવું કહેવાય છે કે રાણાજીએ તો તેમની બદલી થયા બાદ ઘણા દિવસો આ જ કેમ્પ ઓફિસમાં વિતાવ્યા હતા અને ફાઇલો પર સટાસટ સહીઓ કરી હતી. ફરી એક વાર આજે આ કેમ્પ ઓફિસ પાલિકામાં ચર્ચા સ્થાને રહી હતી કારણ કે નવા કમિશનરે પણ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓને મળવા માટે કેમ્પ ઓફિસે જ બોલાવ્યા હતા. જો કે મીડિયાનો કેમેરો જોઇને અધિકારીઓ છૂ થઇ ગયા હતા.

Reporter: admin