વડોદરા : ભારતીય સુરક્ષા એજન્સીઓ, મિસાઇલ્સ, DRDO અને સેન્ય એજન્સીની રિસર્ચ તેમજ ડેવલોપમેન્ટની ગુપ્તચર માહિતીઓ પાકિસ્તાનની ISI ને પહોચાડતા જાસૂસને ગાંધીનગર CID ક્રાઇમે ઝઘડિયા માંથી ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયામાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર એક કંપનીનો જનરલ મેનેજર ઝડપાયો છે. જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો. ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે. જે મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર રહેતો હતો.
આરોપી પાકિસ્તાની એજન્ટનો હનીટ્રેપનો શિકાર થયો હતો. આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે.
CID ક્રાઇમના ADGP રાજકુમાર પાંડિયને પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એજન્ટની ધરપકડ બાદ મીડિયાને માહિતી આપી હતી કે, આરોપી પ્રવીણકુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેકટરીમાં કામ કરતો હતો. પ્રવીણકુમાર મિશ્રા મૂળ બિહારનો છે. એરોનોટિકલ એન્જીનિયરીંગની તાલીમ લઈને હૈદરાબાદમાં DRDOને મટીરીયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો.
પ્રવીણકુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને હનીટ્રેપમાં ફસાયો હતો. આ એકાઉન્ટ પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISIનો હેન્ડલર ચલાવતો હતો.
ISIના હેન્ડલર દ્વારા આરોપી પ્રવીણકુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્ત્વપૂર્ણ બાબતોની જાસુસી કરાવવામાં આવતી હતી. પ્રવીણકુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજેન્સી અને કંપનીઓની માહિતી મેળવી ISIના હેન્ડલરને આપી હતી. આ સાથે બ્રહ્મોસ મિસાઈલની પણ માહિતી આપી હતી.
અંકલેશ્વરની એક કંપની પણ DRDOને મટીરીયલ સપ્લાય કરે છે, જેની માહિતી પ્રવીણકુમારે ISIના હેન્ડલરને આપી હતી.
MI ઉધમપુર યુનિટ દ્વારા ઇનપુટ મુજબ CID ક્રાઇમે ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસમાં ભારત દેશ વિરુધ્ધના ગુનાહિત કાવતરાના ભાગ રૂપે લશ્કરી દળોના નિવૃત થયેલ અને કાર્યરત કર્મચારીઓ DRDO, હિન્દુસ્તાન એરોનાટિક્સ લિમિટેડ અને ભારતના મીસાઇલ સીસ્ટમ મેનુફેકચરિંગ અને તેના પાર્ટ્સના રીસર્ચ,એન્ડ ડેવલોપમેન્ટ સાથે સંકળાયેલા પાસેથી ફેસબુક અને વોટ્સઅપ માઘ્યમથી મેસેજ તથા વોઇસ કોલ કરી માહિતી મેળવવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો.
Reporter: News Plus