News Portal...

Breaking News :

જળ સંચય અભિયાનનું નવું કલેવર ઘડીએ અને તેને નવી દિશા આપીએ.......

2024-05-14 11:53:25
જળ સંચય અભિયાનનું નવું કલેવર ઘડીએ અને તેને નવી દિશા આપીએ.......

 પાણી કિંમતી છે અને પ્રાણનો આધાર છે. નલ સે જલ ના આયોજન હેઠળ ઘર આંગણે પાણી સુલભ બન્યું છે.તેના અમલમાં ક્યાંક ક્યાંક ખામીઓ અને ફરિયાદો છે.પરંતુ એકંદરે આ આયોજન પાણીની તકલીફો હળવી કરનારું તો છે જ.
   એક સમય એવો હતો કે મહિલાઓ અને બેન,દીકરીઓ એ દિવસનો ઘણો બધો સમય પાણી શોધવા અને લાવવામાં ગાળવો પડતો.એક બે કિલોમીટર થી માથે બેડાં મૂકીને પાણી મેળવવાના પરિશ્રમ થી તંદુરસ્તી ને અસર થતી.હવે સ્થિતિ સુધરી તો છે જ.
   ગુજરાત સરકાર દરવર્ષે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન યોજે છે.દેશમાં ગુજરાતની આ આગવી પહેલ છે.
   જ્યારે નદી તળાવ જેવા સપાટી પરના સ્ત્રોતો થી જરૂરી પાણી પુરવઠો નથી મળતો ત્યારે પાતાળકુંવા એટલે કે બોરવેલ ગાળવામાં આવે છે.તેનાથી ભૂગર્ભ જળ ભંડાર ખાલી થઈ જતાં હોવાથી ભારત સરકારે નિયંત્રક કાયદા કર્યા છે.જો કે એનો અમલ નહિવત છે.એટલે શહેરો અને ગામોમાં પીવાના અને અન્ય વપરાશના પાણી માટે બેફામ પાતાળકુંવા ગળાઈ ગયા છે.
    

એટલે ભૂગર્ભ જળ ભંડારો નું તળિયું દેખાવા લાગ્યું છે.સેંકડો ફૂટનું ખોદકામ કરો ત્યારે માંડ પાણી મળે છે.બેંગલોર ની પાણીની તંગી આંખ ઉઘાડનારી છે.છતાં લોકો કે શાસકો કોઈની આંખ ઉઘડતી નથી.
   જળ કટોકટીનો એક ઉપાય વરસાદી પાણીને જમીનમાં ઉતારવાનો અને સપાટી પર રોકવાનો છે.જળ સંચય અભિયાન તેનું માધ્યમ બને છે.
   ગુજરાતે આ પહેલ કરી છે.દર વર્ષે ઉનાળામાં તેનું મોટાપાયે આયોજન કરવામાં આવે છે.તેના હેઠળ તળાવો ઉંડા કરી,તેના પાળા સુધારી, નહેરો નું સમારકામ કરવામાં આવે છે.ટુંકમાં વરસાદી પાણી સારા પ્રમાણમાં જમીનમાં ઉતરે અને બંધો,તળાવોમાં ચોમાસુ પાણી વધુ પ્રમાણમાં સચવાય તેવો આશય આ અભિયાનનો છે.
   ચુંટણીની આચાર સંહિતાના લીધે આ વર્ષે હજુ અભિયાનના કામો શરૂ થયા નથી કે એની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
   હવે મતદાન પૂરું થઈ ગયું હોવાથી ગુજરાતમાં આચાર સંહિતા હળવી થઈ જાય.એટલે પહેલા તો સરકારે ચુંટણી પંચની મંજૂરી લઈને સત્વરે આ અભિયાનની રૂપરેખા ઘડી કાઢવી જોઈએ અને અમલ શરૂ કરી દેવો જોઈએ.
    તેની સાથે હવે અભિયાનનું નવીનીકરણ કરવાની જરૂર છે.ગયા વર્ષે સૌરાષ્ટ્રમાં વરસાદ સારો પડ્યો,ઘોડાપૂર આવ્યા છતાં ત્યાંના નાના નાના બંધોનું પાણી શિયાળા ના અંત સુધીમાં તો તળિયે પહોંચી ગયું.
 

 એટલે હવે જળ સંચય અભિયાન હેઠળ નાના અને મધ્યમ બંધો તળાવોમાં થી કાંપ કાઢીને જળ સંચય ક્ષમતા વધારવાની જરૂર છે.તેનાથી આ જળ સંપત્તિઓ માં વરસાદનું વધુ પાણી સાચવી શકાશે.
   અને તેમાંથી નીકળતો કાંપ ખેત ઉપયોગની જમીનની તંદુરસ્તી અને ફળદ્રુપતા વધારશે.
   બીજું કે સરકાર જળ સંચય ના આયોજનો કરે અને ખાનગી ઉદ્યોગો,ગૃહ નિર્માણકારો એનો બેફામ વપરાશ કરે એ ચલાવી ના લેવાય.
   શહેરો કે મોટા ગામોમાં જે કોઈ જગ્યાએ ત્રણ માળ થી વધુ માળ ધરાવતી બહુમાળી ઇમારતો બાંધવાનું આયોજન થાય ત્યાં નિર્માણકારો માટે આ ઇમારતો ની છત પરથી જમીન પર વહી જતું વરસાદી પાણી જમીનમાં ઉતારવાના માળખાનું નિર્માણ ફરજિયાત કરવું જોઈએ.આ જોગવાઇ ઉદ્યોગો માટે અને સરકારી બહુમાળી ઇમારતો માટે અનિવાર્ય કરવી જોઈએ.
  ક્યારેક ગુજરાતના ઘરોમાં મોટા ભૂગર્ભ ટાંકામાં વરસાદનું પાણી સાચવી લેવામાં આવતું.વિકાસને લીધે આ પરંપરાઓ ભુલાઈ અને રહેવાસીઓ ની જળ આત્મ નિર્ભરતા ભૂતકાળ ની વાત બની ગઈ.
  નર્મદાના ભરોસે પાણીનો બેફામ વપરાશ અને બગાડ કોઈ દિવસ ગુજરાતને મુશ્કેલીમાં મૂકી શકે. એ દિવસ આવે તે પહેલાં સરકાર,લોકો અને સંસ્થાઓ માં પાણી બચાવવાનું ડહાપણ આવે તે જરૂરી છે.આખરે પાણીની બચત પણ પાણીની ઉપલબ્ધિ વધારવાનો ઉપાય છે.

Reporter: News Plus

Related Post