નડિયાદ : નડિયાદના જવાહરનગરમાં ત્રણ વ્યક્તિના એક સાથે રવિવારે રાતે મોત થયા હતા. જે ઘટનામાં મતકોના પરિવારે દેશી દારૂને જવાબદાર ઠેરવ્યો છે.

ત્યારે સોમવારે વહેલી સવારે જિલ્લા પોલીસ અધિક્ષકે વિસેરાના રિપોર્ટની રાહ જોયા વગર જ ઉતાવળે મૃતકોના લોહીના સેમ્પલના રિપોર્ટમાં મિથેનોલનું પ્રમાણ ન હોવાની સ્પષ્ટતા કરી અને સોડાના કારણે મૃત્યુ થયાનું રટણ શરૂ કર્યું છે. જ્યારે મૃત્યુનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જણાશે તેવું સિવિલ પ્રશાસનના સીડીએમઓ કહી રહ્યા છે. જેથી પોલીસ અને સિવિલ પ્રશાસનની કામગીરીમાં વિસંગતતા જોવા મળી છે. ટાઉન પોલીસે ૨૪ કલાક બાદ પણ ફરિયાદ નોંધી નથી કે કોઈ આરોપીની ધરપકડ પણ કરી નથી. નડિયાદ જવાહરનગર વિસ્તારમાં દેશી દારૂ પીધા બાદ ત્રણ વ્યક્તિના મોત થયા હતા.
રવિવારની મોડી રાતે ૯થી ૧૦ વાગ્યાના અરસામાં થયેલા આ લઠ્ઠાકાંડને સોમવારે વહેલી સવારે ૧૦ વાગ્યાના અરસામાં જ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા દ્વારા ઉતાવળે આખી ઘટનાને સોડાકાંડમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો. તેમજ જિલ્લા પોલીસ વડાએ આ મૃત્યુ પાછળ જીરા સોડાની એક જ બોટલમાંથી ત્રણેય મૃતકોએ સોડા પીધા બાદ મૃત્યુ થયુ હોવાનું જણાવ્યું હતું. આ સ્પષ્ટતા કરતી વખતે એસપી દ્વારા મૃતકોના લોહીના રિપોર્ટનો આધાર લેવાયો હતો. જો કે, વિસેરાના રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણવા મળે તેમ છે. બીજીતરફ નડિયાદ સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડા. કવિતા શાહે જણાવ્યું છે કે, પેનલ પી.એમ. કરાયું છે. વિસેરાના સેમ્પલો લઈ લેવાયા છે અને તેને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. એટલે રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય તેમ છે. એકતરફ એસપીના જણાવ્યા મુજબ લોહીમાં દેશી દારૂનું પ્રણામ મળ્યું નથી.
Reporter: admin