લખનઊઃ દેશભરમાં જ્યારે દેવ દીવાળીની ઉજવણી થઈ રહી હતી ત્યારે ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં આ પર્વ માતમમાં બદલાઇ ગયું હતું.
અહીં શુક્રવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 10 બાળકોના મોત થયા હતા. આગ એટલી ભયાનક હતી કે શિશુ વોર્ડની બારી તોડીને અનેક બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.આગની ઘટના બાદ મેડિકલ કોલેજમાં નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. હૉસ્પિટલમાં ઠેર ઠેર રોતી કકળતી માતાઓ, નવજાત શિશુને હાથમાં લઈને ભાગતા ડોકટરો, કેટલાકના મૃતદેહો અને બીજાના અડધા બળેલા મૃતદેહ જોઇને બધાની કંપારી છૂટી ગઇ હતી. આ ઘટનાથી અનેક ઘરોના દીપક ઓલવાઈ ગયા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે 10.45 વાગ્યાની આસપાસ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નીકળી હતી. વોર્ડમાં ધુમાડો નીકળતો જોઈ લોકોએ એલાર્મ વગાડ્યો હતો, પરંતુ કોઈ કંઈ સમજે તે પહેલા આગ ફેલાઈ ગઈ હતી. મોટાભાગના બાળકો ધુમાડા અને દાઝી જવાને કારણે મૃત્યુ પામ્યા હતા.
Reporter: admin