ચોમાસુ આમેય વડોદરા માટે ભારે હોય છે. એક ઇંચ વરસાદ પડે અને શહેર જળબંબાકાર. પાણીનો ભરાવો અનેક વિસ્તારમાં થવા માંડે છે. વિશ્વામિત્રીમાં પાણી જવાની જગ્યા જ નથી હોતી અને વરસાદી કાંસની સફાઈ માત્ર દેખાડા પૂરતી હોય છે. દર વખતે તંત્ર દાવા કરે છે કે આ વર્ષે પાણી નહિ ભરાય પરંતુ વરસાદ પડે એટલે તમે દાવાઓ પોકળ સાબિત થઇ જાય છે. ત્યારે આ વર્ષે પણ શું એવી જ સ્થિતિનું નિર્માણ થશે?
ચોમાસુ હવે દસ્તક દઈ રહ્યું છે અને આગામી 10 દિવસમાં ગુજરાતમા ચોમાસુ બેસી જાય તેવી શક્યતા છે. ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. અને મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવાના દાવા પણ કરવામાં આવે છે. પાલિકા દ્વારા વિવિધ ઝોનમાં બેઠકોનો દોર પણ કરવામાં આવી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર, દંડક સહિતના આગેવાનો વિવિધ સ્થળોએ બેઠક કરી રહ્યા છે. અને સ્થાનિક કોર્પોરેટર પાસેથી જે તે વિસ્તારની સમસ્યાઓ સમજી રહ્યા છે. હાલમાં શહેરમાં 85 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગઈ હોવાના દાવાઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. પરંતુ શું તે સાચા અર્થમાં પૂર્ણ થઇ છે
ખરી? મહાનગરપાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવી છે તે તો પ્રથમ વરસાદ અથવા તો શહેરમાં એક ઇંચ વરસાદ વરસશે ત્યારે માલુમ પડી જ જશે. પરંતુ હાલમાં દર વખત જેવી સ્થિતિ વડોદરામાં ન સર્જાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. વડોદરામાં આમ પણ માનવસર્જિત પુર દર વર્ષે આવે છે. પ્રજા દરેક વખતે ભોગવે છે. શહેરના સિનિયર ધારાસભ્યએ પણ કહેવું પડે છે કે જો પ્રિમોન્સૂનની કામગીરી ના થઈ અને પાણી ભરાયું તો અધિકારીઓને કામે લગાડીશ. ત્યારે શું તેવી સ્થિતિ સર્જાશે ત્યારે સાચા અર્થમાં ધારાસભ્ય કે અન્ય કોઈ અધિકારી બહાર નીકળશે ખરા? પાલિકાની કામગીરી કેવી થઇ છે તે આવનાર સમય બતાવશે.
Reporter: News Plus