વડોદરા: 15 ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે પાવળે-પૂરા ગામ ખાતે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચના સંયુક્ત ઉપક્રમે વિશેષ ફળાઉ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગામના યુવાનો, વડીલો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે પક્ષીઓને ખોરાક માટે કોઈના પર નિર્ભર ન રહેવું પડે અને તેઓ સ્વનિર્ભર બની શકે તેવા આશયથી આંબા (કેસર કેરી) સહિત વિવિધ ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વાવેલા વૃક્ષોના જતન અને સંરક્ષણની જવાબદારી સ્થાનિક યુવાનોએ લેવાની ખાતરી આપી હતી.

અગાઉ ઉનાળા દરમિયાન સંસ્થા દ્વારા વડોદરા શહેરમાં મૂંગા પક્ષીઓ માટે 40 હજારથી વધુ માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યને આગળ વધારી પક્ષીઓ માટે લાંબા ગાળે ખોરાકની વ્યવસ્થા ઊભી થાય તે હેતુથી ફળાઉ વૃક્ષો વાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આયોજકો દ્વારા ગ્રામજનો તેમજ વડોદરાના નાગરિકોને પોતાના આંગણામાં ઓછામાં ઓછું એક ફળાઉ વૃક્ષ વાવવા અપીલ કરવામાં આવી હતી. સંસ્થાના અધ્યક્ષ શ્રી ગૌરવ પાવળેએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે પણ ઉપયોગી સાબિત થાય તે દિશામાં આ પહેલ કરવામાં આવી છે.

કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીપ્રેમ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોની ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.

Reporter: admin







