મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ચાહકોને ઉજવણીનો મોકો આપ્યો છે, એવામાં મુંબઈમાં વસતા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર છે.
ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. રોહિત એન્ડ ટીમ બાર્બાડોસમાં રમાયેલી રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 ચેમ્પિયન બની હતી. સ્વદેશ પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયા ચમકતી વર્લ્ડ કપ ટ્રોફી સાથે ખુલ્લી બસમાં મુંબઈના ભ્રમણ પર નીકળી શકે છે. આ પહેલા ધોની એન્ડ કંપનીએ 2007 ટી-20 વર્લ્ડ કપ જીત્યા બાદ મુંબઈ ભ્રમણ કર્યું હતું. 16 વર્ષ પહેલા, જ્યારે ટીમ ઈન્ડિયાએ એમએસ ધોનીની આગેવાનીમાં પ્રથમ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો, ત્યારે ધોનીની ટીમે મુંબઈમાં ટ્રોફી સાથે બસ પરેડ યોજી હતી. 2007 T20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાયો હતો, જ્યાં ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી.
તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર મુંબઈના રોડ પર ફરીથી 16 વર્ષ જુના દ્રશ્યો સર્જાઈ શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બાર્બાડોસથી પરત ફર્યા બાદ ટીમ ઈન્ડિયા ખુલ્લી બસમાં ટ્રોફી સાથે મુંબઈ જઈ શકે છે.જો કે આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારની સત્તાવાર માહિતી મળી નથી.નોંધનીય છે કે 2024 T20 વર્લ્ડ કપની ફાઈનલ 29 જૂન, શનિવારે બાર્બાડોસમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટાઈટલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા સાઈકલોનને કારણે બાર્બાડોસમાં ફસાઈ ગઈ હતી. જો કે, હવે મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીમ ઈન્ડિયા BCCIની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા બાર્બાડોસથી દિલ્હી માટે રવાના થઈ ગઈ છે અને ગુરુવારે સવાર સુધીમાં દિલ્હી પહોંચી જશે.
Reporter: News Plus