વડોદરા : ગ્રામ્યના ડેસરમાં આવેલી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં શર્મસાર કરતી ઘટના સામે આવી છે.
યુનિ.માં સાફસફાઇ સાથે જોડાયેલું કામ કરતી વિધવા મહિલાને સફાઇ કર્મી દ્વારા પાછળથી બાથમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મહિલા કોઇક રીતે પોતાનો બચાવ કરવામાં સફળ રહી હતી. બાદમાં આ મામલો સમાજના પ્રયત્નોથી સમાધાન પર પહોંચ્યો હતો. જો કે, સમાધાનના પ્રયાસો નિષ્ફળ રહેતા આખરે મહિલાએ ખોટો પ્રયાસ કરનાર શખ્સ સામે ડેસર પોલીસ મથકમાં છેડતીની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા પાસે આવેલા ડેસરમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિ. આવેલી છે. આ યુનિ.માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેણે યુનિ.માં મહિલા સુરક્ષા સામે સવાલો ખડા કર્યા છે. આ યુનિ.માં પ્રકાશકુમાર રોહિત સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. તેમની સાથે એક વિધવા મહિલા તથા અન્ય પણ ત્યાં કામ કરે છે. વર્ષના પ્રથમ દિવસે 1, જાન્યુઆરી, 2025 ના રોજ વિધવા મહિલા સુપર વાઇઝરની ઓફિસની બાજુમાં આવેલા રૂમમાં ક્લિનીંગનો સામાન લેવા માટે જાય છે. દરમિયાન પ્રકાશકુમાર રોહિત પાછળથી આવીને મહિલાને બાથમાં લેવાનો પ્રયાસ કરે છે. અને તેણીની આબરૂ લેવાનો પ્રયાસ કરે છે. જો કે, મહિલા જેમ તેમ કરીને તેની ચુંગાલમાંથી પોતાને મુક્ત કરાવી દે છે.
Reporter: admin