વડોદરા મનપાની પ્રજાના નાણાંની રખેવાળી કરવામાં નિષ્ફળતાનો વધુ એક કિસ્સો છાપે ચઢ્યો છે.અને આ ઉચાપતનો સિલસિલો લગભગ એક દાયકા અગાઉ ચાલતો રહ્યો જે રહી રહીને અત્યારે પ્રકાશમાં આવ્યો છે.
આ ઘટના થી આટલું મોટું કૌભાંડ વર્ષો સુધી ચાલતું રહ્યું છતાં કોઈની જાણમાં આવ્યું નહિ,અથવા કોઈની મુક સંમતિ થી કે ભાગ બટાઈ થી ચાલતું રહ્યું એવા ઘણા સવાલો ઉભા થયા છે.અત્યારે તો છીંડે ચઢ્યો એ ચોરની માફક નાણાં સ્વીકારનાર ક્લાર્ક ને પોલીસ ફરિયાદની ચુંગાલમાં લેવામાં આવ્યો છે.પરંતુ વર્ષો સુધી બગીચામાં પ્રવેશની અને પાર્કિગની ફી થોડી ઘણી જમા થાય અને બાકીની પગ કરી જાય ત્યારે વિભાગના વડા,અન્ય હિસાબી અધિકારીઓ શું કરતા હતા એ સવાલ ઊભો થાય છે.તેની સાથે ઓડિટ પદ્ધતિ ખામીવાળી હોવાનો સંકેત મળે છે.આંતરિક ઓડિટ વ્યવસ્થા નિષ્ફળ ગઈ કે શું એવી શંકા જાગે છે.ઓડિટને અસરકારક બનાવવા જરૂરી પગલાં લેવાની જરૂર વર્તાય છે.સંબંધિત કલાર્કે ૨૦૦૭ થી ૨૦૨૧ દરમિયાન કમાટીબાગ મંદિરની દાનપેટીમાં થી,આજવા બગીચાની પ્રવેશ અને પાર્કિંગ ફી માંથી,અને કમાટીબાગમાં મનોરંજન સુવિધાની ફી માંથી કુલ રૂ.૧.૩૬ કરોડથી વધુ રકમની હયગય કરી એવું તપાસ અને ફેર તપાસમાં બહાર આવ્યું છે એવું અખબારી અહેવાલ થી જાણવા મળે છે.
આખરે આ ગેરરીતિ માટે ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ડુપ્લીકેટ પાવતીઓ બનાવીને આ કારસો કરવામાં આવ્યો.ક્લાર્ક વહીવટી સત્તાની સિડીનું સૌથી નીચું પગથિયું ગણાય.એની ઉપર સિનિયર ક્લાર્ક,અધિક્ષક, હિસાબી અધિકારી અને વિભાગના વડા હોય,છતાં વર્ષો સુધી ગેરરીતિ ચાલતી રહે એ ખૂબ ચોંકાવનારી હકીકત છે.સિસ્ટમમાં તકેદારીની જોગવાઇ સામે સવાલો ઉભા થાય છે. આ હયગય ભલે કલાર્કે કરી હોય પણ જવાબદારી અને જવાબદેહી તો સામૂહિક બને છે.આ કિસ્સો આંખ ખોલનારો છે.લોકો પાસે નાણાં સ્વીકારતા અન્ય વિભાગોમાં સઘન ચકાસણી ની જરૂર તરફ આ ઘટના આંગળી ચીંધે છે.ઓડિટમાં નિયમિતતા અને વધુ સતર્કતાની જરૂર દર્શાવે છે.આટલી મોટી રકમ સંબંધિત કલાર્કે વાપરી નાંખી હોય તો વસુલાત કેવી રીતે કરવી એ પ્રશ્ન પણ ઊભો થાય છે.મનપા નાણાકીય બાબતોમાં વધુ ચોકસાઈવાળી વ્યવસ્થાઓ ગોઠવે,સિસ્ટમ ના છીંડા પુરે એ જરૂરી જણાય છે.પોલીસ ફરિયાદ પછી તપાસ કેટલી આગળ વધી એની જાણકારી જાહેર કરવાની પણ જરૂર છે.
Reporter: admin