News Portal...

Breaking News :

ફાજલપુર કૂવાના રેડિયલમાં માટી અને કાંપ ભરાઈ જવાથી પાણીની ઘટ

2025-07-01 14:53:40
ફાજલપુર કૂવાના રેડિયલમાં માટી અને કાંપ ભરાઈ જવાથી પાણીની ઘટ


વડોદરા : ચોમાસાની સિઝનમાં ઉપરવાસમાં વરસાદ થતાં મહીસાગરમાં પાણીની આવક થવાથી કોર્પોરેશનના ચાર ફ્રેંચ કૂવા પૈકી ફાજલપુર કૂવાના રેડિયલમાં માટી અને કાંપ ભરાઈ જવાથી પાણી ઓછું મળી રહ્યું છે. 


ફાજલપુર કૂવા પરથી રોજ 75 એમએલડી પાણીનો જથ્થો મેળવાય છે. પરંતુ માટી અને કાંપ ભરાઈ જવાના કારણે 20 એમએલડીની( બે કરોડ લીટર )ઘટ પડી રહી છે. પરિણામે ફાજલપુર કૂવાથી શહેરની ટાંકીઓને મળતું પાણી ઓછું જઈ રહ્યું છે. રેતી અને કાંપ ભરાઈ જવાથી તેનું હવે મેન્ટેનન્સ કરવું પડશે, પરંતુ હાલ નદીમાં પાણી હોવાથી કામગીરી કરવી મુશ્કેલ છે. પાણીનું લેવલ થોડું ઊતરે તે પછી આ કામ થઈ શકે. મહીસાગર ખાતે ફાજલપુર ઉપરાંત રાયકા અને દોડકા કુવામાં પાણી ડહોળું મળી રહ્યું છે. 


જેના કારણે શહેરની ઉત્તર અને દક્ષિણ ઝોનને પાણી ડહોળુ મળતા કોર્પોરેશન દ્વારા પાણી ઉકાળીને અને ફટકડી નાખીને ગાળી પીવા જણાવ્યું છે. જ્યારે પોઇચા કૂવામાં કોઈ તકલીફ નથી. કોર્પોરેશન આ ચારેય કૂવા પરથી આશરે 350 એમએલડી પાણીનો જથ્થો મેળવે છે. દર ચોમાસામાં મહી નદીમાં વરસાદી પાણી આવે એટલે તેની સાથે માટી અને કાંપ પણ તણાઈને આવતા ફ્રેંચ કૂવામાં આ તકલીફ સર્જાય છે.

Reporter: admin

Related Post