વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરફેર પર રોક લગાવવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે વડોદરા શહેર એસ.ઓ.જી. ટીમે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. કેસના એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા એસ.ઓ.જી. ટીમે આજવા રોડ વિસ્તારના સયાજીપાર્ક પાસે આવેલા દીનગર વિસ્તારમાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી પોલીસે પ્રતિબંધિત અને નશાકારક કફ સીરપની બોટલો તેમજ ટ્રામાડોલ કેપ્સ્યુલ અને આલ્પ્રાઝોલમ ટેબલેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં સતનામસિંહ મગનસિંહ ઉર્ફે દયાલસિંહ સિકલીગરની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ નશાકારક વસ્તુઓનો જથ્થો હીરવ અજીતકુમાર પંડયા નામના વ્યક્તિ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો. તેના આધારે બાપોદ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ કેસની આગળની તપાસ માટે પોલીસે ટેકનિકલ માહિતી તેમજ બાતમીદારોની મદદ લીધી હતી. તપાસ દરમિયાન એસ.ઓ.જી. ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે વોન્ટેડ આરોપી પોતાના નિવાસસ્થાને હાજર છે. ત્યારબાદ પોલીસે ત્યાં પહોંચી તપાસ હાથ ધરી અને હીરવ અજીતકુમાર પાંડયાને ઝડપી પાડ્યો હતો
પકડાયેલા આરોપીની ગુનામાં સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. વડોદરા પોલીસ દ્વારા નશામુક્ત શહેર બનાવવા માટે આવી કામગીરી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.
Reporter: admin







