News Portal...

Breaking News :

સામુહિક રાજીનામાંની ફાઈલ હજી કમિશનરની મંજૂરીમાં !

2026-08-04 10:45:02
સામુહિક રાજીનામાંની ફાઈલ હજી કમિશનરની મંજૂરીમાં !

વડોદરા મહાનગરપાલિકામાં વહીવટી ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો હતો. પાલિકાના સામાન્ય વહીવટ વિભાગના પાંચ જેટલા ઉચ્ચ અને અનુભવી અધિકારીઓએ એકસાથે પોતાના હોદ્દા પરથી રાજીનામા ધરી સ્વેચ્છિક નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. આ સામૂહિક રાજીનામાને કારણે પાલિકામાં રાજીનામાંની મોસમ યથાવત્ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, પાલિકા તંત્ર દ્વારા આ પાંચેય અધિકારીઓનાં રાજીનામાંનો હજી સુધી સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યો નથી.

આ અંગેની ફાઇલ નિર્ણય માટે મ્યુનિ. કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી છે, જેના પર નિર્ણય લેવાયા બાદ જ આગળની સત્તાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકાનાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈએ એક વિશેષ વાતચીતમાં આ અંગે પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે, અધિકારીઓના રાજીનામાની અરજીઓ મળી છે અને હાલ ફાઇલ 'સાહેબ' સમક્ષ મંજૂરી અર્થે મુકાયેલી છે.ત્યાંથી મંજૂરી મળ્યા બાદ જ રાજીનામાં સ્વીકારવા અંગેનો અંતિમ આદેશ કરવામાં આવશે.

જે પાંચ અધિકારીઓએ એકસાથે સ્વેચ્છિક નિવૃત્તિની જાહેરાત કરીને પાલિકામાંથી વિદાય લેવાનો નિર્ણય કર્યો છે, તેમાં તંત્રના અત્યંત મહત્વપૂર્ણ અને ચાવીરૂપ સ્થાનો પર ફરજ બજાવતા અનુભવી ચહેરાઓનો સમાવેશ થાય છે. તેમાં સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટ, આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રેવન્યુ ઓફિસર મનોજ કિશિંચન, વોર્ડ નંબર 17ના વોર્ડ ઓફિસર મહેશ પટેલ, વોર્ડ નંબર 18ના રેવન્યુ ઓફિસર પ્રકાશ પરમાર તેમજ વોર્ડ નંબર 16ના વોર્ડ ઓફિસર અને રેવન્યુ ઓફિસર પરાગ મોદીનો સમાવેશ થાય છે.

પાલિકાના સામાન્ય વહીવટ તેમજ મહેસૂલી કામગીરીની કરોડરજ્જુ સમાન ગણાતા આ અનુભવી અધિકારીઓએ એકસાથે રાજીનામા મૂકી દેતાં પાલિકાના વહીવટી માળખા સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

એકસાથે પાંચ જેટલા કી-પોઝિશન પર કામ કરતા અધિકારીઓ દ્વારા સામૂહિક સ્વેચ્છિક નિવૃત્તિ લેવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી. પરંતુ પાલિકા વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ કામનું અસહ્ય માનસિક ભારણ, આંતરિક રાજકારણ અથવા તંત્રની અમુક નીતિઓથી નારાજગી આ પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે.

વડોદરા મહાનગરપાલિકામાં નાગરિકોના રોજિંદા વહીવટી અને મહેસૂલી પ્રશ્નો તેમજ વોર્ડ કક્ષાની કામગીરી સુચારુ રીતે ચલાવવામાં આ અધિકારીઓનો મોટો અનુભવ રહેલો હતો. આવા સમયે જ અનુભવી અધિકારીઓ તંત્ર છોડીને જઈ રહ્યા હોવાથી પાલિકાની કામગીરી પર તેની સીધી વિપરીત અસર પડવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે. નવી ભરતીઓ કે ચાર્જ સોંપણી વગર આટલી મહત્વની જગ્યાઓ ખાલી પડવાથી આગામી દિવસોમાં પ્રજાકીય કામો અટવાઈ શકે છે.



ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈનાં જણાવ્યા અનુસાર, વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે રાજીનામાની  કાર્યવાહી હાલ પ્રક્રિયા હેઠળ છે. મ્યુનિ. કમિશનર દ્વારા આ મામલે યોગ્ય સમીક્ષા કરવામાં આવી રહી છે અને પાલિકા હિત તેમજ વહીવટી અનુકૂળતાને ધ્યાને રાખીને આખરી નિર્ણય લેવાશે.

પરંતુ બીજી તરફ, વડોદરાના રાજકીય અને વહીવટી વર્તુળોમાં આ સામૂહિક રાજીનામાનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ પાલિકાના કેટલાક અધિકારીઓએ મુદત પહેલાં નિવૃત્તિ લીધી હોવાના કિસ્સા બન્યા છે. ત્યારે ફરી એકવાર એકસાથે પાંચ અધિકારીઓએ રાજીનામા ધરી દેતાં વડોદરા મહાનગરપાલિકાની આંતરિક કાર્યશૈલી અને સંકલનના અભાવ સામે પણ આંગળીઓ ચિંધાઈ રહી છે. સક્ષમ અધિકારી આ ફાઇલ પર શું આખરી નિર્ણય લે છે અને રાજીનામાં મંજૂર થાય છે કે કેમ, તેના પર હવે સૌની નજર ટકેલી છે.

પાંચ અધિકારીઓનાં રાજીનામાં હજુ સુધી સ્વીકારાયા નથી : ડે.કમિશનર

વડોદરા મહાનગરપાલિકાના સામાન્ય વહીવટ વિભાગના પાંચ જેટલા અધિકારીઓએ રાજીનામાં ધરી દીધાં છે. જોકે, આ અધિકારીઓના રાજીનામાં હજુ સુધી સ્વીકારવામાં આવ્યા નથી. તેમની ફાઇલ આગળ 'મ્યુનિસિપલ કમિશનર ' સમક્ષ નિર્ણય માટે મુકવામાં આવી છે. સાહેબ દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
 ઋતુરાજ દેસાઈ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર

Reporter: admin

Related Post