News Portal...

Breaking News :

દીનુમામાં તથા જી. બી. સોલંકી જૂથ V/S સ્થાનિક ધારાસભ્યો

2026-08-04 10:41:52
દીનુમામાં તથા જી. બી. સોલંકી જૂથ V/S સ્થાનિક ધારાસભ્યો

મધ્ય ગુજરાતની અત્યંત મહત્વપૂર્ણ અને સહકારી ક્ષેત્રની સૌથી મલાઇદાર ગણાતી બરોડા ડેરીના નિયામક મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 4 ઓગસ્ટે યોજાવા જઈ રહી છે. 18 માર્ચે ડેરીની સામાન્ય ચૂંટણી સંપન્ન થયા બાદ આખરે પ્રમુખ-ઉપપ્રમુખની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાતાં જ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. બરોડા ડેરીના વહીવટ પર વડોદરાના 7 અને છોટાઉદેપુરના 6 મળી કુલ 13 ચૂંટાયેલા ડિરેક્ટરોનો દબદબો છે. આ ચૂંટણીમાં 13 ચૂંટાયેલા ડિરેક્ટરો ઉપરાંત ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ)ના પ્રતિનિધિ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લા રજિસ્ટ્રાર મળીને કુલ 16 સભ્યો મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવાના છે.

અગાઉ યોજાયેલી ચૂંટણીમાં 13 ઝોનમાંથી 9 ઝોનના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા, જેમાં પૂર્વ પ્રમુખ દિનુ મામા અને પૂર્વ ઉપપ્રમુખ જી.બી. સોલંકીનો સમાવેશ થતો હતો, જ્યારે બાકીના 4 ઝોન માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 300થી વધુ સભાસદોએ મતદાન કર્યું હતું. તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, તે તમામ ઉમેદવારોની જીત થઈ હતી.

ત્યારબાદ બરોડા ડેરીના આધિપત્ય માટે અંદરખાને મોટો સંગ્રામ શરૂ થયો છે. પ્રમુખ અને ઉપપ્રમુખનું પદ હસ્તગત કરવા માટે પૂર્વ પ્રમુખ દિનુ મામા અને જી.બી. સોલંકી જૂથ સામે ક્ષેત્રના સ્થાનિક ધારાસભ્યોએ મજબૂત મોરચો માંડ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વડોદરા જિલ્લાના ધારાસભ્યો કેતન ઈનામદાર, શૈલેષ સોટ્ટા અને અક્ષય પટેલના માનીતા ઉમેદવારો વિજેતા બનતાં બરોડા ડેરીના રાજકારણમાં આ ત્રણેય ધારાસભ્યોનો દબદબો નોંધપાત્ર રીતે વધી ગયો છે. ધારાસભ્યોનો પ્રભાવ વધવાના કારણે જ પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે મડાગાંઠ સર્જાઈ હતી અને નિર્ણય લંબાઈ રહ્યો હતો.

ચર્ચાતી માહિતી અનુસાર, આ સત્તાસંગ્રામ વચ્ચે ચાર દૂધ મંડળીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેને સહકારી વર્તુળોમાં સીધી ધમકી અને માપમાં રહેવાની સ્પષ્ટ સૂચના તરીકે જોવામાં આવી રહી છે. જો કોઈ સભ્ય કે મંડળી બળવો કરવાનો પ્રયાસ કરશે તો તેમને ગેરલાયક ઠેરવવાની ચીમકી આપવામાં આવી હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. છોટાઉદેપુર અને વડોદરા બંને જિલ્લામાં આ નોટિસોને લઈને ભારે અસંતોષ અને વિવાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ ચૂંટણીમાં પક્ષ તરફથી કોને મેન્ડેટ મળશે તે અંગે અનેક તર્ક-વિતર્ક સેવાઈ રહ્યા છે. એક તરફ દિનુ મામા કે જી.બી. સોલંકી જૂથને પક્ષ તરફથી લીલી ઝંડી મળશે કે કેમ તે મોટો સવાલ છે, તો બીજી તરફ છોટાઉદેપુર ક્ષેત્રમાંથી પ્રતિનિધિત્વ કરતા રાઠવા બંધુઓ પૈકીના એકને ડેરીની કમાન સોંપવામાં આવશે તેવી પણ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ચૂંટણી પહેલાં જ દિનુ મામા અને જી.બી. સોલંકીને કારણદર્શક નોટિસ અપાઈ હોવાના કારણે પણ તેમના જૂથ પર રાજકીય દબાણ વધ્યું છે.
ગુજરાતની તમામ 21 ડેરીઓ અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી હોવાથી આ મલાઇદાર સંસ્થાના વહીવટ પર પોતાની પકડ મજબૂત રાખવા માટે ભાજપનું મોવડીમંડળ પણ ખૂબ જ સાવચેતીપૂર્વક કદમ ઉઠાવી રહ્યું છે. 4 ઓગસ્ટે યોજાનારી આ ચૂંટણીમાં પક્ષનો સત્તાવાર મેન્ડેટ કોના પક્ષમાં આવે છે અને ધારાસભ્યોનું જૂથ બાજી મારશે કે પછી દિનુમામા પોતાનો ગઢ બચાવી શકશે, તેના પર હવે સમગ્ર રાજ્યના સહકારી ક્ષેત્રની નજર ટકેલી છે.


 બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ધારાસભ્યોનો મોરચો

મધ્ય ગુજરાતની સહકારી ક્ષેત્રની સૌથી મલાઇદાર ગણાતી બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.4 ઓગસ્ટે પ્રમુખ-ઉપપ્રમુખ માટે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ દિનુ મામા અને પૂર્વ ઉપપ્રમુખ જી.બી. સોલંકી જૂથનું વર્ચસ્વ તોડવા સ્થાનિક ધારાસભ્યો કેતન ઈનામદાર, શૈલેષ સોટ્ટા અને અક્ષય પટેલે મજબૂત મોરચો માંડ્યો હોવાનું સહકારી રાજકારણમાં ચર્ચાઈ રહ્યું છે. 4 ઓગસ્ટે 16 સભ્યોના મતદાન બાદ પક્ષનો મેન્ડેટ કોના પક્ષમાં આવે છે અને કોનું આધિપત્ય સ્થાપિત થાય છે તેના પર સૌની નજર છે.

ચાર મંડળીઓને નોટિસ ધમકી સમાન

સહકારી ક્ષેત્રમાં ચર્ચાતી માહિતી પ્રમાણે બરોડા ડેરીની ચૂંટણીના માહોલ વચ્ચે ચાર દૂધ મંડળીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતાં સહકારી આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ નોટિસોને માપમાં રહેવાની અને બળવો ન કરવાની સીધી સૂચના તરીકે જોવામાં આવી રહી છે. ચર્ચાતી માહિતી પ્રમાણે નોટિસોમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો કોઈ સભ્ય કે મંડળી પક્ષ વિરુદ્ધ જઈને બળવો કરશે તો તેમને તાત્કાલિક ગેરલાયક ઠેરવવામાં આવશે. વડોદરા અને છોટાઉદેપુર બંને જિલ્લાની સહકારી મંડળીઓમાં આ નોટિસોને પગલે ભારે અસંતોષ અને વિવાદનું વાતાવરણ ઊભું થયું છે.

Reporter: admin

Related Post