News Portal...

Breaking News :

અકસ્માતોના હોટસ્પોટ બનેલા ફતેહગંજ ફ્લાયઓવર પર VMCના સુરક્ષા પગલાં

2026-07-29 11:07:42
અકસ્માતોના હોટસ્પોટ બનેલા ફતેહગંજ ફ્લાયઓવર પર VMCના સુરક્ષા પગલાં

ફતેહગંજ ફ્લાયઓવર પર વારંવાર સર્જાતા માર્ગ અકસ્માતોને અટકાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની કામગીરી શરૂ કરી છે. ઉત્તર ઝોનના 40 મીટર રીંગ રોડ પર આવેલા આ ફ્લાયઓવર પર તાજેતરમાં ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓએ સંયુક્ત નિરીક્ષણ કરીને જરૂરી સુધારાત્મક પગલાં નક્કી કર્યા હતા.


નિરીક્ષણ દરમિયાન બ્રિજ પરથી પસાર થતા વાહનોની ગતિ નિયંત્રિત રહે તે માટે હાલના ચેતવણી બોર્ડ ઉપરાંત વધુ સ્પષ્ટ અને પ્રતિબિંબિત ચેતવણી બોર્ડ લગાવવાનો નિર્ણય લેવાયો હતો. તેના અનુસંધાને 'GO Slow', ભયજનક વળાંક અને 40 કિ.મી./કલાકની સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ તેમજ બ્રિજના વળાંક પાસે રિફ્લેક્ટિવ હેઝાર્ડ માર્કર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ બ્રિજના વળાંક પર વધુ ઝડપે વાહન ચલાવવાથી વાહન પરનો કાબૂ ગુમાવવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને રાત્રિના સમયે, વરસાદી મોસમમાં અને ભીના માર્ગ પર અકસ્માતનું જોખમ વધુ હોવાથી વાહનચાલકોએ વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે.

વાહનચાલકોને બ્રિજના વળાંક પહેલાં જ ગતિ ધીમી કરીને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અને મહત્તમ 40 કિ.મી./કલાક અથવા માર્ગની સ્થિતિને અનુરૂપ સલામત ઝડપે વાહન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. ચોમાસાને કારણે રમ્બલ સ્ટ્રીપ (થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ), કેટ્સ આઈ સહિતની કેટલીક કામગીરી બાકી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તંત્રનું માનવું છે કે આ સુરક્ષા વ્યવસ્થાથી વાહનોની ગતિ નિયંત્રિત રહેશે અને અકસ્માતોની સંભાવનામાં નોંધપાત્ર ઘટાડો થશે.

Reporter: admin

Related Post