કોમનવેલ્થ ગેમ્સની પુરુષ ભાલાફેંક ક્વોલિફિકેશન સ્પર્ધામાં ભારતના સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં શાનદાર વાપસી કરતાં 79.61 મીટરનો થ્રો નોંધાવ્યો હતો. આ પ્રદર્શન સાથે તેઓ વર્તમાન સ્ટેન્ડિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયા છે અને પાકિસ્તાનના ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમને પાછળ છોડી દીધા છે.
અરશદ નદીમે 78.63 મીટરનો થ્રો નોંધાવ્યો હતો અને તેઓ સાતમા સ્થાને સરકી ગયા છે. ફાઇનલ માટે સીધી લાયકાત મેળવવા 84 મીટરનો ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક નક્કી કરવામાં આવ્યો છે.
નીરજે પ્રથમ પ્રયાસમાં 76.28 મીટરનો થ્રો કર્યો હતો, પરંતુ બીજા પ્રયાસમાં 3.33 મીટરનો સુધારો કરીને ટોપ-5માં સ્થાન મેળવ્યું. બીજા રાઉન્ડ બાદ શ્રીલંકાના રૂમેશ પથિરાગે 82.84 મીટર સાથે પ્રથમ સ્થાને છે. ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ 81.29 મીટર સાથે બીજા, જ્યારે દક્ષિણ આફ્રિકાના ડાઉ સ્મિટ 80.64 મીટર સાથે ત્રીજા સ્થાને છે. ઇંગ્લેન્ડના બેન ઈસ્ટ 80.38 મીટર સાથે ચોથા સ્થાને છે.
ભારતના અન્ય ખેલાડી રોહિત યાદવે બીજા પ્રયાસમાં 78.37 મીટરનો થ્રો કરીને આઠમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને ઉછાળો માર્યો છે. જ્યારે યશવીર સિંહ 74.45 મીટરના થ્રો સાથે હાલ દસમા સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે નીરજ ચોપરાએ 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં 86.47 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં અરશદ નદીમે 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને નીરજે 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.
Reporter: admin







