News Portal...

Breaking News :

પશ્ચિમ બંગાળમાં પથ્થર વેપારીના સાથીના ઘરેથી ₹50 કરોડની રોકડ અને સોનું જપ્ત, આરોપીની ધરપકડ

2026-07-30 16:53:53
પશ્ચિમ બંગાળમાં પથ્થર વેપારીના સાથીના ઘરેથી ₹50 કરોડની રોકડ અને સોનું જપ્ત, આરોપીની ધરપકડ

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે મોટી કાર્યવાહી કરતાં એક પથ્થર વેપારીના નજીકના સાથીના ઘરેથી આશરે ₹28.5 કરોડની રોકડ અને 15 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. જપ્ત કરાયેલા સોનાની કિંમત અંદાજે ₹21.5 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ કુલ જપ્તીનો આંકડો લગભગ ₹50 કરોડ સુધી પહોંચ્યો છે.

પોલીસે આ મામલે મિનાર મંડલની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મિનાર મંડલ અગાઉ રાજ્ય પરિવહન વિભાગમાં બસ ડ્રાઇવર હતો અને બાદમાં પથ્થરના વ્યવસાય સાથે જોડાયો હતો. તે ફરાર પથ્થર વેપારી તુલુ મંડલ ઉર્ફે મોહમ્મદ નજીબુદ્દીનનો મેનેજર તેમજ સાળો હોવાનું પોલીસનું કહેવું છે.

પોલીસને ગુપ્ત બાતમીના આધારે બુધવારે રાત્રે દરોડો પાડ્યો હતો. શરૂઆતમાં આશરે ₹20 કરોડની રોકડ મળી હતી, પરંતુ આખી રાત ચાલેલી ગણતરી બાદ કુલ રોકડ ₹28.5 કરોડ સુધી પહોંચી હતી. નોટોની સંખ્યા એટલી મોટી હતી કે તેને ગણવામાં પાંચ કરન્સી કાઉન્ટિંગ મશીનો ખરાબ થઈ ગઈ હતી.

દરોડા દરમિયાન પોલીસે 1-1 કિલોના 14 ગોલ્ડ બાર અને 100-100 ગ્રામના 10 ગોલ્ડ બિસ્કિટ પણ જપ્ત કર્યા હતા. પૂછપરછ દરમિયાન મિનાર મંડલે આ રોકડ અને સોનું તુલુ મંડલનું હોવાનું જણાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
તપાસ એજન્સીઓ હવે કરોડો રૂપિયાની રોકડ અને સોનાનો સ્ત્રોત શોધી રહી છે. પ્રાથમિક શંકા છે કે આ રકમ પથ્થરની ખાણોમાંથી વસૂલાયેલા સરકારી મહેસૂલ સાથે સંકળાયેલી હોઈ શકે છે. જોકે, સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને અંતિમ સત્ય તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

Reporter: admin

Related Post