News Portal...

Breaking News :

હવે વંદે ભારતથી થશે ઝડપી માલ પરિવહન, કાર્ગો ટ્રેનનું 145 કિમી/કલાકની ઝડપે સફળ ટ્રાયલ

2026-07-30 16:58:31
હવે વંદે ભારતથી થશે ઝડપી માલ પરિવહન, કાર્ગો ટ્રેનનું 145 કિમી/કલાકની ઝડપે સફળ ટ્રાયલ

ભારતીય રેલવે હવે મુસાફરોની સાથે સાથે માલ પરિવહન ક્ષેત્રમાં પણ હાઈસ્પીડ ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહ્યું છે. દેશની પ્રથમ વંદે ભારત કાર્ગો ફ્રેટ EMU ટ્રેનનું રાજસ્થાનના કોટા મંડળમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન ટ્રેને 145 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી.

ચેન્નઈ સ્થિત ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) દ્વારા તૈયાર કરાયેલા 16 કોચના આ પ્રોટોટાઇપનું પરીક્ષણ કોટા-નાગદા-સવાઈ માધોપુર હાઈસ્પીડ કોરિડોર પર કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં ટ્રેનને 120 અને 135 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી હતી, જ્યારે પરત ફરતી વખતે તેણે 145 કિમી પ્રતિ કલાકની ઝડપ નોંધાવી હતી.

રેલવે આગામી એક મહિના સુધી આ કાર્ગો ટ્રેનના વિવિધ પરીક્ષણો કરશે. જેમાં ખાલી અને લોડેડ સ્થિતિમાં ઝડપ, બ્રેકિંગ સિસ્ટમ, ટ્રેક પર પ્રદર્શન, ઊર્જા બચત, સુરક્ષા સિસ્ટમ, સિગ્નલિંગ અને અન્ય ટેક્નિકલ પાસાઓની ચકાસણી કરવામાં આવશે.
397 ટનથી વધુ માલ વહન કરવાની ક્ષમતા

આ ખાસ ફ્રેટ EMU ટ્રેનમાં કુલ 16 કોચ છે, જેમાં 12 પાર્સલ કોચ, 2 રેફ્રિજરેટેડ કોચ અને 2 ટ્રેલર કોચનો સમાવેશ થાય છે. ટ્રેનની કુલ પેલોડ ક્ષમતા 397 ટનથી વધુ છે. ઈ-કોમર્સ, પાર્સલ સેવા અને કોલ્ડ ચેન લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે આ ટ્રેન મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

આધુનિક સુરક્ષા સુવિધાઓથી સજ્જ

કાર્ગો વંદે ભારત ટ્રેનમાં રેફ્રિજરેટેડ સ્ટોરેજ, વેન્ટિલેશન સિસ્ટમ, આધુનિક બ્રેકિંગ અને પ્રોપલ્શન સિસ્ટમ, ઓટોમેટિક ડોર લોકિંગ તથા કવચ (KAVACH) સુરક્ષા સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. ટ્રેન 5 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપે પહોંચતા જ તેના દરવાજા આપમેળે લોક થઈ જશે.
રેલવેનું માનવું છે કે કાર્ગો વંદે ભારત શરૂ થયા બાદ દેશભરમાં ઝડપી અને સમયસર માલ પરિવહનને નવી ગતિ મળશે.

Reporter: admin

Related Post