૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક, મુક્ત, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ ૨૬૦ મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

મતદાન પ્રક્રિયાના અસરકારક નિરીક્ષણ માટે પ્રત્યેક મતદાન મથક પર બે કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. આ મુજબ કુલ ૫૨૦ કેમેરા દ્વારા તમામ મતદાન મથકોનું સતત લાઇવ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી નિરીક્ષક શ્રી મોહિત બુંદાસ, કલેક્ટર ડો. અનિલ ધામેલિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુહાની કેલૈયાએ સતત નિરીક્ષણ કર્યું હતું
વેબકાસ્ટિંગ દ્વારા પ્રાપ્ત થતા લાઇવ ફીડના અસરકારક નિરીક્ષણ માટે ધારાસભા હોલ ખાતે ઝોનવાર વેબકાસ્ટિંગ વ્યૂઇંગ ટીમ કાર્યરત કરવામાં આવી હતી. કુલ ૨૮ કર્મચારીઓની ટીમમાં દરેક ઝોન માટે એક કર્મચારીની નિમણૂક કરવામાં આવી હતી, જેમણે પોતાના કાર્યક્ષેત્રના મતદાન મથકો પર સતત નજર રાખી સમગ્ર મતદાન પ્રક્રિયાનું મોનીટરીંગ કર્યું હતું.

મતદાન દરમિયાન વેબકાસ્ટિંગ મારફતે તમામ મતદાન મથકોનું સતત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના, ગેરરીતિ અથવા આદર્શ આચારસંહિતાના ભંગની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાના પરિણામે મતદાન પ્રક્રિયામાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને નિષ્પક્ષતા જળવાઈ રહી હતી તેમજ સમગ્ર મતદાન પ્રક્રિયાનું અસરકારક અને સુવ્યવસ્થિત રીતે મોનીટરીંગ શક્ય બન્યું હતું.
સોજીત્રા
Reporter: admin







