News Portal...

Breaking News :

અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, 15 વર્ષના શાનદાર કરિયરનો અંત

2026-07-30 15:40:33
અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા, 15 વર્ષના શાનદાર કરિયરનો અંત

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને રહાણેએ પોતાના 15 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યું. તેમણે લખ્યું, "તમારા પ્રેમ, વિશ્વાસ અને સમર્થન બદલ આભાર. કેપ નંબર 278, સાઇનિંગ ઓફ."

રહાણેએ પોતાના સંદેશમાં જણાવ્યું કે જીવનમાં દરેક સફરનો એક અંત હોય છે અને હવે આગળ વધવાનો યોગ્ય સમય આવી ગયો છે. ડોમ્બિવલીથી ક્રિકેટની શરૂઆત કરનાર યુવા ખેલાડી તરીકે ભારત માટે રમવાનું તેમનું સૌથી મોટું સ્વપ્ન હતું, જે સાકાર થયું.

રહાણેએ 2011માં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારત માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યારે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ભારત માટે 85 ટેસ્ટ, 90 વનડે અને 20 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 5,077 રન બનાવ્યા, જેમાં 12 સદી અને 26 અડધી સદીનો સમાવેશ થાય છે. વનડેમાં તેમના નામે 2,962 રન નોંધાયેલા છે.

રહાણેને ખાસ કરીને 2020-21ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતને ઐતિહાસિક બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતાડનારા કેપ્ટન તરીકે યાદ કરવામાં આવશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં યુવા ટીમનું સફળ નેતૃત્વ કરીને તેમણે ભારતને યાદગાર શ્રેણી વિજય અપાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ પણ રહાણેએ જણાવ્યું છે કે ક્રિકેટ સાથેનો તેમનો સંબંધ યથાવત રહેશે અને હવે તેઓ આગામી પેઢીના ખેલાડીઓને માર્ગદર્શન આપશે.

આઈપીએલમાં પણ રહાણેનું સફળ કરિયર રહ્યું છે. તેમણે અત્યાર સુધી 212 મેચ રમી છે અને રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ સહિત અનેક ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષ 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તેમણે પ્રથમ વખત આઈપીએલ ટ્રોફી જીતી હતી.

Reporter: admin

Related Post