News Portal...

Breaking News :

શહેરમાં ગેરકાયદે દબાણો પર VMCની લાલ આંખ; જપ્તી સાથે કાર્યવાહી

2026-07-29 10:57:58
શહેરમાં ગેરકાયદે દબાણો પર VMCની લાલ આંખ; જપ્તી સાથે કાર્યવાહી

વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં ટ્રાફિકને અવરોધરૂપ અને જાહેર જનતાને નડતરરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે ફરી એકવાર કડક કાર્યવાહી હાથ ધરી છે. સોમવારે મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરિટી શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ અભિયાન ચલાવી અનેક દબાણો દૂર કર્યા હતા.


કાર્યવાહી દરમિયાન પ્રતાપનગર-દંતેશ્વર રોડ, ભવન્સ સ્કૂલ, રિલાયન્સ સર્કલ, કીર્તિસ્થંભ ચાર રસ્તા, કમાટીબાગ ગેટ નંબર-2 તેમજ પેવેલિયન સર્કલ પાસેના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વોર્ડ નંબર-13ના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, ફૂલ બજાર અને માર્કેટ પાછળ ફૂટપાથ પર બેસતા પથારાવાળાઓ સામે કાર્યવાહી કરીને પ્લાસ્ટિકના કેરેટ જપ્ત કરવામાં આવ્યા હતા.
વોર્ડ નંબર-9ના ગોત્રી વિસ્તારમાં નારાયણ ગાર્ડન રોડ પર આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષોના પાર્કિંગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા લારી-ગલ્લા અને કાઉન્ટરો દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અંદાજે એક ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો હતો.


આ ઉપરાંત વોર્ડ નંબર-1માં છાણી કેનાલ નજીક મિયાવાકી વનની પાછળ સરદાર સરોવર નિગમની જમીન પર થયેલા દબાણો સંયુક્ત કાર્યવાહીમાં દૂર કરવામાં આવ્યા હતા. અહીં કમ્પાઉન્ડ અને અંદાજે 150 મીટર સુધીની ફેન્સિંગ હટાવી જમીન ખુલ્લી કરાઈ હતી.
તે જ રીતે ટી.પી.-13 વિસ્તારમાં મળેલી ફરિયાદના આધારે ફાયર બ્રિગેડ નજીક રસ્તા પર નડતરરૂપ પાર્ક કરાયેલા ફોર વ્હીલર વાહનો દૂર કરાવી નિયમ મુજબ દંડ વસૂલવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે શહેરમાં ગેરકાયદે દબાણો સામે આવી કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત્ ચાલુ રહેશે.

Reporter: admin

Related Post