વડોદરા શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ છાણી પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. ભાથુજીનગર ગરનાળા પાસે આવેલા રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી એક યુવકની ધરપકડ કરી હતી.
પોલીસને મળેલી ચોક્કસ માહિતીના આધારે છાણી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પંચ સાક્ષીઓની હાજરીમાં દરોડાની કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન ધર્મેશ ઉર્ફે ધમો અશ્વીનભાઈ પટેલ હેવાસી ભાથુજીનગર, છાણી,ના કબજામાંથી 12.66 ગ્રામ ગાંજો, પાંચ જીપલોક થેલીઓ, એક પ્લાસ્ટિકની થેલી અને એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ઉપરાંત ઓળખ સંબંધિત દસ્તાવેજોની નકલ પણ કબજે લેવામાં આવી હતી.
જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂ.5,633 હોવાનું પોલીસે જણાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપી પોતાના રહેણાંક મકાનમાંથી ગાંજાનું વેચાણ કરતો હોવાની માહિતી સામે આવી છે. ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત કરી તેની સામે એનડીપીએસ એક્ટની કલમ 8(c), 20(b)(ii)(A) અને 29 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ હવે આરોપી પાસેથી માદક પદાર્થ ક્યાંથી મેળવવામાં આવતો હતો અને તેનું વેચાણ કોને કરવામાં આવતું હતું તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
Reporter: admin







