વડોદરાનાં નાગરિકોને પરિવહનની યોગ્ય સુવિધા પૂરી પાડવાના હેતુથી પ્રજાના ટેક્સનાં કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા હવે ભ્રષ્ટ અધિકારીઓ અને કૌભાંડી કોન્ટ્રાક્ટરો માટે મલાઈ તારવવાનું સાધન બની ગઈ છે. વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની છત્રછાયા હેઠળ આચરવામાં આવેલા આ આર્થિક અને ગુનાહિત કૌભાંડમાં હવે કોર્પોરેશનના તપાસ અધિકારીથી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સુધીના તમામ જવાબદારોની ભૂમિકા શંકાના ઘેરામાં આવી ગઈ છે.
સયાજીગંજ ખાતે આવેલી સિટી બસની મુખ્ય કચેરીમાં બેસીને જ ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી રહ્યા હતા. પરંતુ આશ્ચર્ય અને શરમજનક બાબત એ છે કે, આટલું મોટું કૌભાંડ જાહેર થયા પછી પણ વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ કૌભાંડીઓને સજા આપવા કે જેલભેગા કરવાને બદલે તેમને બચાવવા માટે ઢાલ બનીને ઊભા રહ્યા છે.
આ સમગ્ર કૌભાંડની વિગતો મુજબ, વડોદરા સિટી બસના અધિકૃત કોન્ટ્રાક્ટર વિનાયક લોજિસ્ટિક્સની છત્રછાયા હેઠળ ખાનગી શક્તિ ટ્રાવેલ્સના સંચાલકો શહેરની સત્તાવાર હદની બહાર છેક ખંભાત સુધી બેરોકટોક ગેરકાયદે બસો દોડાવતા હતા. વડોદરાથી ખંભાત સુધીના બિનસત્તાવાર રૂટ પર બસો દોડાવીને મુસાફરોની ગેરકાયદે હેરફેર કરવામાં આવતી હતી. એટલું જ નહીં, ટેક્સચોરી કરીને ટીવી, ફ્રિજ જેવા મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય સામગ્રીની હેરફેર પણ આ બસો દ્વારા કરવામાં આવતી હોવાની ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જે બસો બહારના જિલ્લાઓમાં ફરતી હતી, તેને કાગળ પર વડોદરા શહેરની અંદર દોડતી બતાવીને માઇલેજ તથા સરકારી સબસિડીના ક્લેઇમ પાસ કરાવવાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
આ લૂંટ અને ગેરરીતિ સ્ટિંગ ઓપરેશનમાં જગજાહેર થયા બાદ પણ તપાસ અધિકારી અને કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણા વિનાયક લોજિસ્ટિક્સ અને શક્તિ ટ્રાવેલ્સને બચાવવાના જ ભગીરથ પ્રયાસો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. વડોદરાના નાગરિકોના ટેક્સના નાણાંમાંથી પગાર લેતા અધિકારીઓ પ્રજાની સેવા કરવાને બદલે કૌભાંડી કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે.
શુક્રવારની ડેડલાઇન હોવા છતાં સોમવાર રાત સુધી તેમણે તપાસ અહેવાલ રજૂ કર્યો નહોતો. અતિ વ્યસ્તતા અને ડેપ્યુટી સુરત ગયા હોવાના બહાના હેઠળ કૌભાંડીઓને પુરાવા ગુમ કરવા અને બચવાનો વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે.
તપાસ અધિકારી ધર્મેશ રાણા દાવો કરી રહ્યા છે કે વિનાયકના જવાબનું ક્રોસ વેરીફિકેશન કરવામાં આવશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તપાસના નામે માત્ર સમય પસાર કરવાનું નાટક ચાલી રહ્યું છે.
બીજી તરફ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રુતુરાજ દેસાઈ સોમવારે સાંજે એમ કહીને છટકી ગયા હતા કે, "મારે જાણવું પડશે કે શું અહેવાલ આપ્યો છે." જે અધિકારીના ટેબલ પર ફાઇલ આવીને પડી હોય, તેમને રાત્રે 9 વાગ્યા સુધી ખબર જ ન હોય કે અહેવાલ આવ્યો છે કે નહીં, તો તે અધિકારી જનતાની શું સેવા કરશે?
ત્યારબાદ એક સપ્તાહ સુધી વારંવાર સંપર્ક કરવા છતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રુતુરાજ દેસાઈ અને ઇજનેર ધર્મેશ રાણાએ ફોન રિસીવ કરવાની હિંમત દાખવી નહોતી. બીજી તરફ, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું ધ્યાન દોરવા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પણ ટેલિફોનિક સંપર્ક ટાળ્યો હતો.
આ આખા નાટકનો છેલ્લો અંક એવો જણાઈ રહ્યો છે કે તપાસનાં નામે માત્ર ઔપચારિકતા પૂર્ણ કરીને એવો અહેવાલ સબમિટ કરવામાં આવશે, જેમાં કૌભાંડીઓ છટકી શકે. ત્યારબાદ તેના પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રુતુરાજ દેસાઈ સહી કરી દેશે અને કમિશનર તેને સાચો માની લેશે. અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ જશે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને પ્રજા સાથે વિશ્વાસઘાત કરતા રહેશે.
આ બધી અંધેરી નગરી જેવા ખેલ વચ્ચે મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિતના તમામ જનપ્રતિનિધિઓ મૌન ધારણ કરીને બેઠા છે. જનતા હવે કાગળ પરની પોકળ તપાસ નહીં, પરંતુ દોષિત કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓ સામે તાત્કાલિક એફ.આઈ.આર. નોંધાવીને કડક કાર્યવાહીની માંગ કરી રહી છે.

કૌભાંડીઓને બચાવવાની ગોઠવણ
સિટી બસ કૌભાંડમાં તપાસ અધિકારી અને કાર્યપાલક ઇજનેર ધર્મેશ રાણાની ભૂમિકા શંકાના ઘેરામાં છે. સોંપાયેલી સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં અહેવાલ રજૂ કરવામાં આવ્યો નથી, જેના કારણે વિનાયક લોજિસ્ટિક્સ અને શક્તિ ટ્રાવેલ્સના સંચાલકોને પુરાવા ગુમ કરવાનો સમય મળી રહ્યો હોવાની ચર્ચા છે. તપાસના નામે માત્ર કાગળ પરના નાટકો કરીને એવો અહેવાલ તૈયાર કરવાની વિગતો સામે આવી રહી છે, જેથી જવાબદારો છટકી જાય. કોર્પોરેશનના અધિકારીઓ પ્રજાના ટેક્સના નાણાંનું રક્ષણ કરવાને બદલે કૌભાંડી કોન્ટ્રાક્ટરો સાથે મળીને પ્રજા સાથે ખુલ્લેઆમ વિશ્વાસઘાત કરી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
ઉચ્ચ અધિકારીઓનું રહસ્યમય મૌન, ફોન નંબર જોઈને ગભરાટ
સિટી બસના ગેરકાયદે રૂટ કૌભાંડ બહાર આવ્યા બાદ તંત્રના ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અત્યંત જવાબદારીહીન રહી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રુતુરાજ દેસાઈ સોમવાર રાત સુધી પોતાના ટેબલ પરની ફાઇલ અને અહેવાલથી અજાણ હોવાનો દાવો કરતા રહ્યા.
ત્યારબાદ જ્યારે મામલે સ્પષ્ટતા માંગવાનો સતત પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રુતુરાજ દેસાઈ, ઇજનેર ધર્મેશ રાણા અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી નહોતી. આ તમામ અધિકારીઓનું મૌન દર્શાવે છે કે ઝકૌભાંડીઓને છાવરવા માટે આખું તંત્ર એક થઈ ગયું છે.
છેલ્લે ધર્મેશ રાણાએ ફોન ઉપાડ્યો ત્યારે તેમણે તપાસ અંગે સામાન્ય પ્રક્રિયાની વાત કરી હતી. ગુજરાતની અસ્મિતાનો ફોન નંબર જોઈને જ જાણે પરસેવો છૂટી જતો હોય તેમ લાગતું હોવાનું જણાવાયું છે. અનુભવ એવો રહ્યો છે કે ઇમાનદાર અધિકારી તાત્કાલિક ફોન ઉપાડીને તપાસ અંગે નિઃસંકોચ જવાબ આપે છે, જ્યારે ભ્રષ્ટાચારના આક્ષેપોમાં સંડોવણીની આશંકા હોય ત્યાં સંકોચ જોવા મળે છે.
શક્તિ ટ્રાવેલ્સ અને વિનાયક લોજિસ્ટિક્સનું ગેરકાયદે નેટવર્ક
વડોદરા મહાનગરપાલિકાના સત્તાવાર બસ કોન્ટ્રાક્ટર વિનાયક લોજિસ્ટિક્સની છત્રછાયા હેઠળ શક્તિ ટ્રાવેલ્સ દ્વારા વડોદરા શહેરની હદ વટાવીને છેક ખંભાત સુધી ગેરકાયદે બસો દોડાવવામાં આવતી હતી. આ બસોમાં માત્ર મુસાફરો જ નહીં, પરંતુ મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય વસ્તુઓની હેરફેર કરીને ટેક્સચોરી પણ કરવામાં આવતી હોવાની શંકા છે. સૌથી ગંભીર બાબત એ છે કે બહારના જિલ્લાઓમાં ચાલતી આ બસોને વડોદરા શહેરની અંદર ચાલતી બતાવીને સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાની માઇલેજ સબસિડી પણ ક્લેઇમ કરવામાં આવી હોવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ, મૌન સેવતા પ્રજાના પ્રતિનિધિઓ
વડોદરા શહેરમાં કરોડો રૂપિયાનું સિટી બસ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે પણ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ પક્ષોના કોર્પોરેટરોએ મૌન ધારણ કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. સામાન્ય નાગરિક હેલ્મેટ વગર નીકળે તો દંડ વસૂલતું તંત્ર ગેરકાયદે બસો દોડાવનારા કૌભાંડીઓને માત્ર નોટિસ આપીને સંતોષ માની રહ્યું હોવાના સવાલો ઉઠી રહ્યા છે. જો આ બસો દ્વારા કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત, તો તેની જવાબદારી કોની રહેત? પ્રજા હવે કાગળ પરની તપાસ બંધ કરીને કૌભાંડીઓ સામે સીધી ફરિયાદ દાખલ કરવાની માંગ કરી રહી છે.
વિનાયકના જવાબનું ક્રોસ વેરીફિકેશન કરાશે
"વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા તેમનો જવાબ રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં મારા ડેપ્યુટી પીએમ ઈ-બસ અંગેની કામગીરી અર્થે સુરત ગયા હોવાથી તેઓ પરત આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે. વિનાયકના જવાબનું ક્રોસ વેરીફિકેશન કર્યા બાદ જ આખરી તપાસ અહેવાલ સુપરત કરવામાં આવશે."
– ધર્મેશ રાણા, તપાસ અધિકારી
આ તમામને કાળા કારનામાઓનું સત્ય જાહેર કરવું જ પડશે...
સંપૂર્ણ પુરાવાઓ અને વીડિયો રેકોર્ડિંગ સાથે ગુજરાતની અસ્મિતા દ્વારા વિનાયક લોજિસ્ટિક્સ અને શક્તિ ટ્રાવેલ્સના સંચાલકોના કાળા કારનામાઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હોવા છતાં, કોર્પોરેશનના અધિકારીઓનું રહસ્યમય મૌન અને કૌભાંડીઓને અપાતું છૂપું રક્ષણ અનેક સવાલો ઊભા કરે છે. દોષિતો સામે તાત્કાલિક કડક પગલાં ભરવાને બદલે માત્ર "તપાસ ચાલી રહી છે" જેવા ગોળગોળ જવાબો આપીને અધિકારીઓ પ્રજાની આંખમાં ધૂળ નાખવાનો હીન પ્રયાસ કરી રહ્યા છે. સમગ્ર મામલાને ઠંડા કલેજે દબાવી દેવાની અને તપાસને સમેટી લેવાની નીતિ સ્પષ્ટપણે છતી થઈ રહી છે.
ભ્રષ્ટ મનોવૃત્તિ ધરાવતા અધિકારીઓ કદાચ એવા વહેમમાં રાચી રહ્યા છે કે જનતા અને અખબારો થોડા દિવસોમાં આ મુદ્દાને ભૂલી જશે. પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે ગુજરાતની અસ્મિતા અખબાર ક્યારેય પીછેહઠ કરતું નથી; સત્યને ઉજાગર કરવા અને અન્યાય સામે છેક સુધી લડવું એ જ અમારી નેમ છે.
આજે ભલે ધર્મેશ રાણા, રુતુરાજ દેસાઈ કે ખુદ કમિશનર આ ગંભીર મામલાને દબાવવા માટે ગમે તેટલા હવાતિયાં મારે, પરંતુ તેમણે યાદ રાખવું પડશે કે સત્ય કાયમ માટે છુપાવી શકાતું નથી. એક દિવસ તેમણે જનતાના દરબારમાં આવીને તમામ કાળા કારનામાઓનું સત્ય જાહેર કરવું જ પડશે.

Reporter: admin







