આજે દેશભરમાં ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે મંદિરો, આશ્રમો, મઠો અને આધ્યાત્મિક કેન્દ્રોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ પોતાના ગુરુજનોનું પૂજન કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.
ગુરુ પૂર્ણિમાના અવસરે દેશભરના વિવિધ ધાર્મિક સ્થળોએ વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન, સત્સંગ અને આધ્યાત્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક સ્થળોએ ગુરુ વંદના કાર્યક્રમો તેમજ સામૂહિક આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દુ, બૌદ્ધ અને જૈન પરંપરામાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. માન્યતા અનુસાર, આ જ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો. તેમણે મહાભારત સહિત અનેક મહત્ત્વના ધાર્મિક ગ્રંથોની રચના કરી હતી. તેથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પવિત્ર દિવસે શ્રદ્ધાળુઓ પોતાના ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને જીવનમાં જ્ઞાન, સદબુદ્ધિ અને સફળતા માટે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. દેશના અનેક રાજ્યોમાં ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Reporter: admin







