News Portal...

Breaking News :

ફતેગંજ બ્રિજ પર ખાનગી બસની ટક્કરથી એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનું કરુણ મોત

2026-07-29 09:48:03
ફતેગંજ બ્રિજ પર ખાનગી બસની ટક્કરથી એમ.એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થીનીનું કરુણ મોત

વડોદરા: શહેરમાં માર્ગ અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે ફતેગંજ બ્રિજ વધુ એક જીવલેણ અકસ્માતનો સાક્ષી બન્યો છે. ફતેગંજ બ્રિજ પર પૂરપાટ ઝડપે દોડી રહેલી ખાનગી બસે એક્ટિવા પર સવાર મહારાજા સયાજીરાવ (એમ.એસ.) યુનિવર્સિટીની ત્રણ વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓ ઈજાગ્રસ્ત થઈ છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી તૃપ્તિ મહાડિક (ઉંમર અંદાજે 22થી 25 વર્ષ) પોતાની બે બહેનપણીઓ સાથે એક્ટિવા પર ઈસ્કોન મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહી હતી. દરમિયાન ફતેગંજ બ્રિજ પરથી પસાર થતી વખતે પાછળથી આવી રહેલી એક ખાનગી બસે તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે તૃપ્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેની બંને બહેનપણીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી.

અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ખાનગી પ્રેક્ટિસ કરતા એનેસ્થેટિસ્ટ ડૉ. લોપા મુદ્રા શાહે તાત્કાલિક પોતાની કાર રોકીને માનવતા દાખવી હતી. તેમણે રસ્તા પર જ ઘાયલ વિદ્યાર્થીનીને ઇન્ટ્યુબેશન, એમ્બુ બેગ દ્વારા શ્વાસોચ્છવાસ અને કાર્ડિયક મસાજ સહિતની પ્રાથમિક સારવાર આપી હતી.

ડૉ. લોપા મુદ્રા શાહે જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીની લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડી હતી. ટ્રાફિક વચ્ચે પણ મેં ગાડી રોકીને તરત જ ઇન્ટ્યુબેશન, એમ્બુઇંગ અને કાર્ડિયક મસાજ આપીને તેનો શ્વાસ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેને ભારે પ્રમાણમાં બ્લીડિંગ થઈ રહ્યું હતું અને પલ્સ ખૂબ જ નબળી હતી. 108 એમ્બ્યુલન્સ પહોંચે ત્યાં સુધી પ્રાથમિક સારવાર ચાલુ રાખી હતી."
ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તૃપ્તિને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, વધુ પડતું લોહી વહી જવાને કારણે હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

અકસ્માત બાદ બસનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ફતેગંજ પોલીસે ગુનો નોંધી બસચાલકની શોધખોળ હાથ ધરી છે. શહેરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતોને પગલે ફતેગંજ બ્રિજ પર ટ્રાફિક સલામતી અને ઝડપ નિયંત્રણ અંગે ફરી સવાલો ઊભા થયા છે.

Reporter: admin

Related Post