News Portal...

Breaking News :

વડોદરામાં દબાણો પર VMCની તવાઈ: 3 ટ્રક સામાન જપ્ત, અનેક સ્થળે કાર્યવાહી

2026-08-04 10:56:36
વડોદરામાં દબાણો પર VMCની તવાઈ: 3 ટ્રક સામાન જપ્ત, અનેક સ્થળે કાર્યવાહી

વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં જાહેર રસ્તાઓ અને જાહેર સ્થળો પરના દબાણો દૂર કરવા માટે સોમવારે વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી. દબાણ અને સિક્યુરિટી શાખાની ટીમે શહેરના અનેક વિસ્તારોમાં કાર્યવાહી કરીને ગેરકાયદે દબાણો દૂર કર્યા હતા, જ્યારે કેટલાક સ્થળોએ સામાન જપ્ત કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની ટીમે એરપોર્ટ ગેટ સામે, ગોલ્ડન બ્રિજ નીચે, આજવા ચોકડી રાત્રી બજાર પાસે, વાઘોડિયા ચોકડી બ્રિજ નીચે, વૃંદાવન ચાર રસ્તા તેમજ પરિવાર ચાર રસ્તા વિસ્તારમાં દબાણો દૂર કર્યા હતા. ઉપરાંત ટીપી, ફાયર, મેડિકલ, એમજીવીસીએલ અને સ્ટ્રીટ લાઇટ વિભાગની સંયુક્ત ટીમ સાથે કરોળિયા મસાણી માતા મંદિરથી રેલવે ટ્રેક તરફ જતા રોડ પર આવેલા ત્રણ પાકા દબાણો તોડી માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો.

વોર્ડ નંબર-3માં સયાજીગંજ પોલીસની હાજરીમાં રેલવે સ્ટેશનના ઇનગેટ-આઉટગેટ, બસ ડેપોના ઇનગેટ-આઉટગેટ અને રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-7 સામેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ત્રણ ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત વોર્ડ નંબર-11માં ઓ.પી. રોડ પર આવેલી મેઘદૂત સોસાયટીની બહાર કરાયેલા હંગામી દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા અને ત્યાંથી પણ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે જાહેર માર્ગો પર અવરોધરૂપ બનતા દબાણો સામે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને નાગરિકોને અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

Reporter: admin

Related Post