News Portal...

Breaking News :

ડેન્ગ્યુ સામે સુરક્ષા કવચ: VMCએ ફતેહગંજમાં ચલાવ્યું જાગૃતિ અભિયાન

2026-08-04 10:54:16
ડેન્ગ્યુ સામે સુરક્ષા કવચ: VMCએ ફતેહગંજમાં ચલાવ્યું જાગૃતિ અભિયાન

વડોદરા શહેરમાં ડેન્ગ્યુ અને અન્ય વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે તા. ૨૬ જુલાઈના રોજ ફતેહગંજ અર્બન હેલ્થ સેન્ટરના વિસ્તારમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલ ખાતે ડેન્ગ્યુ રોકથામ અંગે વિશેષ જાગૃતિ શિબિર યોજાઈ હતી.

શિબિરમાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને મચ્છરથી ફેલાતા રોગોથી બચવાના ઉપાયો, મચ્છરના લાર્વા પાણીમાં કેવી રીતે પેદા થાય છે અને તેની ઓળખ કરી તેનો નાશ કેવી રીતે કરવો તેની માહિતી આપવામાં આવી હતી. તેમજ વાહકજન્ય અને પાણીજન્ય રોગો ન ફેલાય તે માટે સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

હોસ્ટેલમાં ચીફ વોર્ડન અને સેનિટરી ઇન્સ્પેક્ટર સાથે સંકલન કરીને વિવિધ હોલ અને આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરાયેલા પાણીના સ્થળોની તપાસ કરી જરૂરી સફાઈ પણ કરવામાં આવી હતી.

સરકારના શિક્ષણ અને આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ ધોરણ-8ના વિદ્યાર્થીઓને ‘ડેન્ગ્યુ જાગૃતિ હોમવર્ક કાર્ડ’ આપવામાં આવ્યા છે. જેના માધ્યમથી વિદ્યાર્થીઓ દર અઠવાડિયે પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ શકે તેવા સ્થળોની તપાસ કરી મચ્છરના લાર્વાની નોંધ કરશે.


બીજી તરફ સયાજીબાગમાં પણ ડેન્ગ્યુ નિયંત્રણ માટે અલગ ટીમ કાર્યરત છે. ટીમ દ્વારા પેરા ડોમેસ્ટિક, ઈન્ટ્રાડોમેસ્ટિક અને ફ્યુમિગેશન જેવી કામગીરી કરીને મચ્છરજન્ય રોગો અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. VMCના આ પ્રયાસોથી સ્વચ્છ અને સુરક્ષિત વડોદરા બનાવવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે.

Reporter: admin

Related Post