વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઠગાઈના બે અલગ-અલગ ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને સુરતમાંથી ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે જે.પી. રોડ પોલીસને સોંપ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીનું ચોક્કસ લોકેશન મળતાં ટીમે સુરતમાં વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ મહેબુબભાઈ રસુલભાઈ વેપારી તરીકે થઈ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી સામે વડોદરાના જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં કોર્ટ દ્વારા વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. ગુનો નોંધાયા બાદથી તે સતત ફરાર હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ અક્ષર ચોક સ્થિત વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ મારફતે ફરિયાદીને ઓછી ફીમાં યુકે વર્ક પરમિટ અપાવવાનું કહી વિશ્વાસમાં લઈ રૂ. 6 લાખ લીધા હતા. બાદમાં કામ નહીં થતાં માત્ર રૂ. 1.50 લાખ પરત આપ્યા અને બાકીના રૂ. 4.50 લાખ પરત ન આપી ઠગાઈ કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આરોપી સુરત શહેરના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અન્ય એક ઠગાઈના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું. વર્ષ 2026માં તેણે સાગરીત સાથે મળી ગોપીપુરાની જ્વેલર્સ દુકાને નકલી સોનાની વીંટી આપી રૂ. 96 હજાર લઈ ફરાર થઈ ગયો હતો.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને જે.પી. રોડ પોલીસને સોંપ્યો છે, જ્યારે સુરતના અઠવાલાઇન્સ પોલીસને પણ તેની ધરપકડ અંગે જાણ કરવામાં આવી છે. બંને ગુનાની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
Reporter:







