અમદાવાદ જિલ્લાના વિરમગામ વિસ્તારમાં વિરમગામ-માલવણ હાઇવે પર આવેલા વાણી બ્રિજ નજીક સોમવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સાણંદ ઔદ્યોગિક વિસ્તારમાંથી માલસામાન ભરીને મોરબી તરફ જતી આઇશર ટ્રક અચાનક પલટી જતાં તેમાં સવાર ક્લીનરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આઇશર ટ્રક સાણંદ ઔદ્યોગિક વસાહતમાંથી માલસામાન લઈને મોરબી તરફ જઈ રહી હતી. વિરમગામ-માલવણ હાઇવે પર આવેલા વાણી બ્રિજ નજીક પહોંચતા જ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. પરિણામે ભારે ભરખમ ટ્રક રસ્તા પર જ પલટી મારી ગઈ હતી. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં ટ્રકમાં સવાર ક્લીનર ગિરધારીસિંહને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટ્રકની કેબિનમાં કચડાઈ જતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તેઓ જીવ ગુમાવી ચૂક્યા હતા. બીજી તરફ ટ્રકના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.
ઘટનાની જાણ થતા વિરમગામ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને સામાન્ય બનાવવા માટે પલટી ગયેલી ટ્રકને રોડની બાજુએ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. બાદમાં મૃતક ક્લીનરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
Reporter: admin







