યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન કીર સ્ટારમરે સોમવારે સત્તાવાર રીતે પોતાના રાજીનામાની જાહેરાત કરતા બ્રિટિશ રાજકારણમાં ભારે હલચલ મચી છે. લેબર પાર્ટીની અંદર વધતા અસંતોષ, ઘટતી લોકપ્રિયતા અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઊભા થયેલા નેતૃત્વના પ્રશ્નો વચ્ચે સ્ટારમરે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. જોકે, નવા નેતાની પસંદગી સુધી તેઓ કેરટેકર વડાપ્રધાન તરીકે ફરજ બજાવશે.
લંડન સ્થિત વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ બહાર દેશને સંબોધતા સ્ટારમરે જણાવ્યું હતું કે, પાર્ટીના સાંસદો અને સંસદીય સાથીઓની ચિંતાઓને તેમણે ગંભીરતાથી સાંભળી છે. પક્ષ અને દેશના હિતમાં પદ પરથી હટી જવું યોગ્ય ગણતાં તેમણે રાજીનામું આપ્યું છે. પોતાના નિવેદનમાં સ્ટારમરે કહ્યું કે, લેબર પાર્ટીને સત્તા સુધી પહોંચાડવા માટે છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારે મહેનત કરવામાં આવી હતી અને સરકાર તરીકે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, પરંતુ હાલની રાજકીય પરિસ્થિતિમાં નેતૃત્વ પરિવર્તન જરૂરી બની ગયું છે.
કીર સ્ટારમરે જુલાઈ 2024ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને ઐતિહાસિક જીત અપાવી હતી અને 14 વર્ષથી સત્તામાં રહેલી કન્ઝર્વેટિવ પાર્ટીને હટાવીને બ્રિટનમાં સત્તા પરિવર્તન લાવ્યું હતું. જોકે, સત્તા સંભાળ્યાના બે વર્ષથી પણ ઓછા ગાળામાં જ તેમની સામે અસંતોષનો માહોલ ઉભો થયો. સ્થાનિક ચૂંટણીમાં પાર્ટીના નબળા પ્રદર્શન, આર્થિક અને સામાજિક મુદ્દાઓ પર જનતામાં વધી રહેલી નારાજગી અને પાર્ટીની અંદર જ નવા ચહેરાની માંગને કારણે સ્ટારમર પર દબાણ સતત વધી રહ્યું હતું.
આ દબાણને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે ગ્રેટર મેન્ચેસ્ટરના પૂર્વ મેયર એન્ડી બર્નહામે મેકરફિલ્ડ પેટાચૂંટણીમાં નોંધપાત્ર જીત મેળવીને વેસ્ટમિન્સ્ટર સંસદમાં વાપસી કરી. બર્નહામની જીતને લેબર પાર્ટીના અનેક સાંસદોએ પાર્ટીના નવા નેતૃત્વ માટે સંકેત તરીકે જોવાનું શરૂ કર્યું છે. હાલની સ્થિતિએ એન્ડી બર્નહામ નવા વડાપ્રધાન પદ માટે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
Reporter: admin







