News Portal...

Breaking News :

‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ની તડામાર તૈયારીઓ.

2026-06-24 10:54:04
‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ની તડામાર તૈયારીઓ.

વડોદરા શહેર વધુ એક મહત્વપૂર્ણ અને મોટા આયોજનનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આગામી 29 અને 30 જૂનના રોજ વડોદરાના જી.એસ.એફ.સી. ખાતે બે દિવસીય ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ અત્યંત અગત્યના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવા અને સમગ્ર વહીવટી માળખાને સુસજ્જ કરવાના આશયથી આયોજન સચિવ આદ્રા અગ્રવાલે સોમવારે વડોદરાની ખાસ મુલાકાત લીધી હતી અને કામગીરીનો તાગ મેળવ્યો હતો.

આગામી પરિષદના સુદઢ અને ખામીરહિત આયોજન માટે આદ્રા અગ્રવાલે જી.એસ.એફ.સી. ખાતે વહીવટી તંત્ર સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પરિષદના સુચારુ સંચાલન માટે રચાયેલી વિવિધ કમિટીઓના નોડલ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન સચિવે દરેક કમિટીને સોંપવામાં આવેલી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ક્યાંય પણ કોઈ વહીવટી કે આયોજનાત્મક કચાશ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ, આદ્રા અગ્રવાલે કાર્યક્રમ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ ગ્રાઉન્ડ ઝીરો પર ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જ્યાં મુખ્ય પરિષદ યોજાવાની છે તે વિશાળ ડોમ અને સભાસ્થળના નિર્માણકાર્યની બારીકાઈથી ચકાસણી કરી હતી. સ્થળ પર જ સંબંધિત ઈજનેરો અને અધિકારીઓ સાથે નકશા અને બ્લુપ્રિન્ટનો અભ્યાસ કરીને મંડપ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, વેન્ટિલેશન, મહાનુભાવોની સુરક્ષા તેમજ ટ્રાફિક અને પાર્કિંગ સહિતની પાયાની અને આનુષંગિક સુવિધાઓ અંગે અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનો કર્યા હતા.


અત્રે ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાતની શૃંખલા અંતર્ગત યોજાનારી આ પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈ બક્ષશે. આથી સમગ્ર કાર્યક્રમ ગરિમાપૂર્ણ અને સફળ રીતે સંપન્ન થાય તે માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ એક કરીને તમામ તૈયારીઓને યુદ્ધના ધોરણે અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

Reporter:

Related Post