News Portal...

Breaking News :

આવતીકાલે નિર્જળા એકાદશી દાન,વ્રત, જપ તપ અને સ્નાન નો અનેરો દિવસ બારે રાશિ ના જાતકો માટે દાન અને ઉપાય

2026-06-24 10:48:09
આવતીકાલે નિર્જળા એકાદશી દાન,વ્રત, જપ તપ અને સ્નાન નો અનેરો દિવસ બારે રાશિ ના જાતકો માટે દાન અને ઉપાય

જ્યેષ્ઠ શુક્લ એકાદશીના દિવસે આવતી નિર્જળા એકાદશી સર્વ એકાદશીઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. વેદવ્યાસ દ્વારા ભીમસેન ને આ વ્રતનું મહાત્મ્ય જણાવાયું હતું. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ વર્ષભરની તમામ એકાદશીઓ ન કરી શકે તે નિર્જળા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરે તો તેને તમામ 24 એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે અન્ન અને જળનો ત્યાગ કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. વ્રતના પ્રભાવથી પાપોનો નાશ થાય છે, આયુષ્ય, આરોગ્ય અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે તથા અંતે વૈકુંઠલોકની પ્રાપ્તિ થાય છે.


નિર્જળા એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરી ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મી નું પૂજન કરવું. “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. વિષ્ણુ સહસ્ત્રનામ, ગજેન્દ્રમોક્ષ અથવા ભગવદ્ ગીતાના પાઠનું શ્રવણ-પઠન કરવું. ગરીબોને પાણીના ઘડા, પંખા, છત્રી, ફળ, શરબત અને અન્નનું દાન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. બીજા દિવસે દ્વાદશી પર બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપીને પારણું કરવું.


બાર રાશિ ના જાતકો માટે વિશેષ ઉપાયો

મેષ રાશિ

નિર્જળા એકાદશીના દિવસે મેષ રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુ અને શ્રીહરિનું પૂજન કરવું. "ૐ વિષ્ણવે નમઃ" મંત્રની 11 માળા કરવી શુભ માનવામાં આવે છે. ગાયને લીલું ઘાસ ખવડાવવું તથા ગોળ અને ઘીનું દાન કરવું. બ્રાહ્મણ દ્વારા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરાવવો. પીળાં વસ્ત્રો અને ફળનું દાન કરવાથી માન-સન્માન અને કાર્યસિદ્ધિ મળે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોએ શ્રીલક્ષ્મીનારાયણનું પૂજન કરવું. "ૐ શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ" મંત્રનો જાપ કરવો. બ્રાહ્મણને ચોખા, ખાંડ અને દૂધનું દાન કરવું. શ્રીસૂક્તનો પાઠ કરાવવાથી ધનસુખ અને ગૃહસ્થ જીવનમાં સુખ-શાંતિ વધે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ "ૐ નમો નારાયણાય" મંત્રની 5 અથવા 11 માળા કરવી. લીલા ફળો અને જળપાત્રનું દાન કરવું. બ્રાહ્મણ દ્વારા ભગવદ્ ગીતાના 12મા અધ્યાયનો પાઠ કરાવવો. બુદ્ધિ, વેપાર અને કારકિર્દીમાં લાભ મળે છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને ચંદન અને સફેદ પુષ્પ અર્પણ કરવા. "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરવો. દૂધ, ચોખા અને જળદાન કરવું. બ્રાહ્મણ દ્વારા પુરુષસૂક્તનો પાઠ કરાવવાથી પરિવાર સુખ અને માનસિક શાંતિ મળે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોએ સૂર્યને અર્ઘ્ય આપી વિષ્ણુ પૂજન કરવું. "ૐ શ્રી વિષ્ણવે નમઃ" મંત્રનો જાપ કરવો. ઘઉં, ગોળ અને તાંબાના વાસણનું દાન કરવું. બ્રાહ્મણ દ્વારા આદિત્ય હૃદય સ્તોત્ર અને વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરાવવો શુભ રહેશે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ તુલસી સહિત વિષ્ણુ પૂજન કરવું. "ૐ નમો નારાયણાય" મંત્રનો જાપ કરવો. લીલા મગ, પુસ્તકો અને જળનું દાન કરવું. બ્રાહ્મણોને ધાર્મિક ગ્રંથ ભેટ આપવાથી જ્ઞાન અને સફળતા પ્રાપ્ત થાય છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ લક્ષ્મીનારાયણની આરાધના કરવી. "ૐ શ્રીં લક્ષ્મીનારાયણાય નમઃ" મંત્રનો જાપ કરવો. સુગંધિત વસ્તુઓ, વસ્ત્રો અને ફળોનું દાન કરવું. બ્રાહ્મણ દ્વારા શ્રીસૂક્ત અને લક્ષ્મી અષ્ટકમનો પાઠ કરાવવો શુભ રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોએ "ૐ અચ્યુતાય નમઃ" મંત્રનો જાપ કરવો. તલ, ગોળ અને જળપાત્રનું દાન કરવું. બ્રાહ્મણ દ્વારા વિષ્ણુ સહસ્ત્રનામ તથા નારાયણ કવચનો પાઠ કરાવવો. અવરોધો દૂર થઈ સફળતા મળે છે.

ધન રાશિ

ધન રાશિના જાતકોએ ભગવાન વિષ્ણુને પીળાં પુષ્પ અને ચણાની દાળ અર્પણ કરવી. "ૐ નમો નારાયણાય" ની 11 માળા કરવી. બ્રાહ્મણને ધાર્મિક ગ્રંથ, કેળાં અને હળદરનું દાન કરવું. ભગવદ્ ગીતા પાઠ કરાવવાથી ભાગ્યોદય થાય છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ "ૐ અચ્યુતાય નમઃ" મંત્રનો જાપ કરવો. કાળા તલ, છત્રી અને ઠંડા પાણીનું દાન કરવું. બ્રાહ્મણ દ્વારા વિષ્ણુ સહસ્ત્રનામ અને ગજેન્દ્રમોક્ષનો પાઠ કરાવવો. કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને સ્થિરતા મળે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોએ "ૐ અનંતાય નમઃ" મંત્રનો જાપ કરવો. જળપાત્ર, પંખા અને ફળોનું દાન કરવું. બ્રાહ્મણ દ્વારા નારાયણ કવચ અથવા વિષ્ણુ યજ્ઞ કરાવવો. અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના વધે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ શ્રીહરિનું વિશેષ પૂજન કરવું. "ૐ શ્રીમન્નારાયણાય નમઃ" મંત્રની 11 માળા કરવી. પીળાં વસ્ત્રો, ચણાની દાળ અને મીઠાઈનું દાન કરવું. બ્રાહ્મણ દ્વારા સત્યનારાયણ કથા અથવા ભગવદ્ ગીતા પાઠ કરાવવો. આધ્યાત્મિક પ્રગતિ, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

વિશેષ નોંધ: તમામ રાશિના જાતકો માટે નિર્જળા એકાદશીના દિવસે જળદાન, તુલસીપૂજન, વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ અને બ્રાહ્મણ ભોજન કરાવવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે.

નિર્જળા એકાદશી પર શ્રદ્ધા, સંયમ, જાપ, દાન અને ભગવાન વિષ્ણુની ભક્તિ સાથે કરવામાં આવેલું વ્રત જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરે છે. આ દિવસે જળનું દાન અને બ્રાહ્મણ સેવા અતિ ઉત્તમ પુણ્યદાયી માનવામાં આવે છે.


જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી

Reporter: admin

Related Post