વેનેઝુએલામાં બુધવારે આવેલા બેક-ટુ-બેક બે શક્તિશાળી ભૂકંપોએ ભારે વિનાશ મચાવ્યો છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર પહેલા 7.2 તીવ્રતાનો ફોરશોક અને તેના આશરે 40 સેકન્ડ બાદ 7.5 તીવ્રતાનો મુખ્ય ભૂકંપ આવ્યો હતો. બંને ભૂકંપોનું કેન્દ્ર ઉત્તર કિનારા નજીક મોરોન વિસ્તાર આસપાસ નોંધાયું હતું, જે રાજધાની કારાકાસથી આશરે 160 કિમી દૂર છે. આ આંચકાઓના કારણે કારાકાસ સહિત અનેક વિસ્તારોમાં ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું, કેટલીક ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને લોકો ભયભીત થઈને રસ્તાઓ પર દોડી આવ્યા હતા.
ભૂકંપ બાદ વેનેઝુએલાની કાર્યકારી સરકાર દ્વારા દેશમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તાજા અહેવાલો મુજબ ઓછામાં ઓછા 32 લોકોનાં મોત નિપજ્યા છે અને 700થી વધુ લોકો ઘાયલ થયા છે, જ્યારે મૃતકોની સંખ્યા વધી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. બચાવદળો રાતભર કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરીમાં જોડાયા છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર પણ અસર નોંધાઈ છે, જ્યારે મુખ્ય એરપોર્ટને નુકસાન પહોંચતાં તેને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
ભૂકંપના પગલે શરૂઆતમાં કેરેબિયનના કેટલાક દરિયાકાંઠા વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં યુએસ સુનામી વોર્નિંગ સેન્ટરે આ ચેતવણી પાછી ખેંચી લીધી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે સહાયની ઓફરો આવવા લાગી છે અને વિવિધ દેશોએ બચાવ તથા રાહત કામગીરી માટે સહાય આપવા તૈયારી દર્શાવી છે. જોકે, ઇન્ડિયાથી NDRFની ટીમ મોકલાશે તે દાવા અંગે વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં હજી સુધી સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી.
Reporter: admin







