News Portal...

Breaking News :

અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા-ઇન્ડિગોના વિમાન

2026-06-25 12:40:33
અમદાવાદ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, એક જ રનવે પર સામસામે આવ્યા એર ઈન્ડિયા-ઇન્ડિગોના વિમાન

અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટના ટળી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સાંજે અંદાજે 6:30 વાગ્યાના અરસામાં એર ઈન્ડિયા અને ઇન્ડિગોના બે વિમાનો એક જ રનવે પર સામસામે આવી જતા ટક્કર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. જોકે એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) દ્વારા સમયસર સતર્કતા દાખવવામાં આવતા સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને પગલે એરપોર્ટ પર થોડા સમય માટે ચકચાર મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર મુંબઈથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI2493 લેન્ડિંગ બાદ ટેક્સીંગ દરમિયાન અજાણતામાં ખોટી દિશામાં વળી ગઈ હતી. વિમાન નિર્ધારિત ટેક્સી ટ્રેકથી ભટકી જતાં એરપોર્ટ પર ઉભેલા અન્ય વિમાન સાથે જોખમી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી એર ટ્રાફિક કન્ટ્રોલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ATCની સૂચના મળતા જ એર ઈન્ડિયાના વિમાનને તરત જ રોકી સુરક્ષિત રીતે પરત પાર્કિંગ બે તરફ ખસેડવામાં આવ્યું હતું.


આ સમયસર લેવાયેલા પગલાંને કારણે સંભવિત મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને મુસાફરો અને એરપોર્ટ સત્તાધિકારીઓમાં પણ થોડી ક્ષણો માટે ચિંતા ફેલાઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થયાની માહિતી સામે આવી નથી.

સમગ્ર મામલે એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે 24 જૂનના રોજ મુંબઈથી અમદાવાદ આવેલી ફ્લાઇટ AI2493 લેન્ડિંગ બાદ ટેક્સીંગ દરમિયાન ભૂલથી ખોટો વળાંક લઈ ગઈ હતી. ત્યારબાદ તમામ જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરીને વિમાનને સલામત રીતે પાર્કિંગ વિસ્તારમાં પરત લાવવામાં આવ્યું હતું. એરલાઇન તરફથી ઘટનાની આંતરિક સમીક્ષા હાથ ધરાઈ હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post